નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ઓવલમાં શરૂ થઈ ગઈ છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયામાં ચાર ફેરફાર થયા, પરંતુ એકવાર ફરી અભિમન્યુ ઈશ્વરનને તક ન મળી. ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઈશ્વરન માટે સારી તક હતી અને આશા કરવામાં આવી રહી હતી કે તેને ટેસ્ટ કેપ મળશે, પરંતુ તેનું સપનું પૂર્ણ થયું નહીં. તેવામાં સતત નજરઅંદાજ કરવાને કારણે ઈશ્વરન જરૂર નિરાશ થયો હશે. ટીમ ઈન્ડિયામાં તક ન મળ્યા બાદ હવે ઈશ્વરનના પિતાએ પણ પ્રતિક્રિયા આપતા ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે. ઈશ્વરનના પિતાએ ગૌતમ ગંભીરને પૂછ્યુ કે શું તેના પુત્રની જગ્યાએ કરૂણ નાયરને તક આપવામાં આવી છે.
મહત્વનું છે કે અભિમન્યુ ઈશ્વરન સાથે આવું પ્રથમવાર થયું નથી. તે છેલ્લા ચાર વર્ષથી ટીમ ઈન્ડિયામાં પર્દાપણની પ્રતીક્ષા કરી રહ્યો છે. તેની પાછળ ઘણા ખેલાડીઓ આવ્યા અને પર્દાપણ કર્યું. આ ઈંગ્લેન્ડ પ્રવાસની વાત કરવામાં આવે તો પ્રથમ મેચમાં સુદર્શને પર્દાપણ કર્યું હતું. તો ચોથી ટેસ્ટમાં અંશુલ કંબોજને રમવાની તક મળી, જ્યારે ઈશ્વરન પર કોઈ ચર્ચા ન થઈ.
અભિમન્યુના પિતાએ ગૌતમ ગંભીરને શું પૂછ્યું?
અભિમન્યુના પિતા રંગનાથન ઈશ્વરને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે તેમને સમજાતું નથી કે તેમના પુત્રને બદલે કરુણ નાયરની પસંદગી કેમ કરવામાં આવી. અભિમન્યુ માત્ર ઘરેલુ ક્રિકેટમાં જ સારું પ્રદર્શન કરી રહ્યો નથી પરંતુ ગયા વર્ષે તેને દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. રંગનાથને કહ્યું, 'હું દિવસો ગણી રહ્યો નથી. અભિમન્યુ તેના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. હું વર્ષો ગણી રહ્યો છું. ત્રણ વર્ષ થઈ ગયા છે. ખેલાડીનું કામ શું છે? રન બનાવવા. તેણે તે કર્યું છે.
આ પણ વાંચોઃ મને આપઘાતના વિચાર આવતા... ડિવોર્સ પર પહેલીવાર ખુલીને બોલ્યો ભારતીય ક્રિકેટર ચહલ
તેમણે કહ્યું, 'છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે ઈન્ડિયા A ની બે મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, તેથી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, જે ઠીક છે, પરંતુ કરુણ નાયર તે સમયે ટીમમાં નહોતો. જ્યારે અભિમન્યુએ સારું પ્રદર્શન કર્યું. કરુણને ન તો દુલીપ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો કે ન તો ઈરાની ટ્રોફી માટે. જો તમે ગયા વર્ષથી અત્યાર સુધીના સમયગાળા પર નજર નાખો, તો અભિમન્યુએ લગભગ 864 રન બનાવ્યા છે.
IPL પર પણ અભિમન્યુના પિતાનો સવાલ
અભિમન્યુના પિતાએ જણાવ્યું કે તે આ પ્રવાસ દરમિયાન પોતાના પુત્રના સંપર્કમાં છે. તેનો જુસ્સો વધારી રહ્યાં છે, પરંતુ તેમણે તે પણ સ્વીકાર્યું કે હું સમજી શકતો નથી કે કેટલાક ખેલાડીઓને આઈપીએલમાં તેના ટી20 પ્રદર્શનના આધાર પર ટેસ્ટ ટીમમાં કેમ જગ્યા મળી જાય છે. તેમણે કહ્યું- મારો પુત્ર થોડો નિરાશ છે, પરંતુ આ સ્વાભાવિક છે. કેટલાક ખેલાડીઓ આઈપીએલના પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી લે છે. આઈપીએલના પ્રદર્શનને ટેસ્ટ ફોર્મેટની પસંદગી માટે ધ્યાને ન લેવું જોઈએ. ટેસ્ટ ટીમની પસંદગીનો આધાર રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફી હોવી જોઈએ.
ટેસ્ટ ટીમમાં પસંદગી, પર્દાપણ નહીં
અભિમન્યુ ઈશ્વરનને પ્રથમવાર વર્ષ 2021મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલું ટેસ્ટ સિરીઝ માટે કોલ આવ્યો હતો. તે વર્ષે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે તેને સ્ટેન્ડઅપ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સત્તાવાર સામેલ થયો. ત્યારથી તે દરેક સિરીઝમાં ટીમનો સભ્ય રહ્યો છે પરંતુ હજુ સુધી મેચ રમવાની તક મળી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે