કાનપુરઃ ભારતીય ટીમે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે બીજી ઈનિંગ 7 વિકેટના નુકસાન પર 234 રનના સ્કોર પર ડિકલેર કરી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડને જીત માટે 284 રનનો લક્ષ્ય મળ્યો છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 345 તો ન્યૂઝીલેન્ડે 296 રન બનાવ્યા હતા. પર્દાપણ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરે બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી, જ્યારે ગર્દનની ઈજા છતાં બેટિંગ કરવા ઉતરેલા સાહાએ પણ અડધી સદી ફટકારી હતી.
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમની શરૂઆત સારી રહી નહીં. અશ્વિને પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર વિલ યંગને માત્ર 2 રનના સ્કોરે આઉટ કર્યો હતો. ચોથા દિવસની રમતના અંતે કીવી ટીમનો સ્કોર 4 રન પર એક વિકેટ છે અને તેને 284 રનની જરૂર છે. જ્યારે ભારતીય ટીમ જીતથી 9 વિકેટ દૂર છે.
આ પણ વાંચોઃ IND vs NZ: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેયસ અય્યરે રચ્યો ઈતિહાસ, પ્રથમ ટેસ્ટમાં 100-50 બનાવનાર પ્રથમ ભારતીય
અય્યર (65 રન) એ અશ્વિન (32 રન) ની સાથે છઠ્ઠી વિકેટ માટે 52 જ્યારે સાહા (અણનમ 61 રન) ની સાથે સાતમી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા સવારના સત્રમાં કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ ફરી નિરાશ કર્યા જેથી ભારત 51 રન પર પાંચ વિકેટ ગુમાવી સંકટમાં હતું. અય્યરે બાદમાં સાહા સાથે અડધી સદીની ભાગીદારી કરી ભારતને સંભાળ્યું હતું.
અય્યર ટી-બ્રેક પહેલા ટિમ સાઉદીના બોલ પર આઉટ થયો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી મયંક અગ્રવાલે 17, શુભમન ગિલે 4, પૂજારાએ 22, રહાણેએ 4, જાડેજાએ 0, અશ્વિને 32, અક્ષર પટેલે 28, અય્યરે 65 અને સાહાએ અણનમ 61 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉદી અને જેમિસને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે