ICC Champions Trophy 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શાનદાર મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યાથી રમાશે. ક્રિકેટના આ મહાયુદ્ધ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ શાનદાર મેચમાં વિરાટ કોહલી અને શાહીન આફ્રિદી સિવાય રોહિત શર્મા અને હરિસ રૌફની ટક્કર જોવા મળશે. દિગ્ગજ ક્રિકેટરોથી સજ્જ ભારતીય ટીમ ફરી પાકિસ્તાની ટીમને હરાવવા માટે તૈયાર છે. જો ભારત પાકિસ્તાન સામેની આ મેચ જીતી જાય છે, તો તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે જ વર્તમાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની સફરનો અંત આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ
ભારતે જ્યારે પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવીને તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી, ત્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2017માં ફાઇનલમાં રમાઈ હતી જેમાં પાકિસ્તાનની ટીમ જીતી હતી. મોહમ્મદ રિઝવાન અને તેના સાથી ખેલાડીઓ લંડનમાં તે જીતમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરશે, પરંતુ તેના ખેલાડીઓએ રમતના ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કરવું પડશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ પહેલા જેટલી ચર્ચામાં નથી, જેના કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રુપ A મેચમાં બંને ટીમો થોડી વધુ આરામથી મેદાનમાં ઉતરશે.
રોહિત શર્મા પર નજર
ભારતીય ટીમ દરેક પાસાઓમાં ફાયદાકારક સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ અહીંની સ્થિતિઓમાં સારી રીતે એડજસ્ટ થઈ ગઈ છે જ્યારે પાકિસ્તાનની ટીમ કરાચીમાં ન્યૂઝીલેન્ડના હાથે કારમી હાર બાદ અહીં પહોંચી છે. જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હોય છે ત્યારે ખેલાડીઓ પર ઘણું દબાણ હોય છે. જો કે, ભારતીય ટીમ આવી સ્થિતિઓનો સામનો કરવામાં વધુ સારી રીતે સક્ષમ હોવાનું જણાય છે. કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય હતો પરંતુ તેણે બાંગ્લાદેશ સામે જે રીતે બેટિંગ કરી તેના પરથી લાગી રહ્યું છે કે તેમણે લય મેળવી લીધી છે. તેમણે 41 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારતને સારી શરૂઆત અપાવી હતી.
શુભમન ગિલ શાનદાર ફોર્મમાં
ઓપનર શુભમન ગિલનું શાનદાર ફોર્મ ભારત માટે ખૂબ જ સારો સંકેત છે. તેણે છેલ્લી મેચમાં સદી ફટકારી હતી જેના કારણે ભારતે 229 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે તો તેના સ્ટાર બેટ્સમેન બાબર આઝમનું ફોર્મ અને વલણ તેના માટે ચિંતાનો વિષય છે. ન્યૂઝીલેન્ડ સામે 320 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે બાબરે 90 બોલમાં 64 રન બનાવ્યા હતા અને ધીમી ગતિએ રન બનાવવા બદલ તેની ટીકા થઈ હતી. એટલું જ નહીં ઈજાના કારણે ઓપનર ફખર ઝમાનને બહાર રાખવાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. જમાનની જગ્યાએ ઇમામ ઉલ હકની પસંદગી કરવામાં આવી છે અને તે અહીં ટીમ સાથે જોડાયો છે.
વિરાટ કોહલીએ આપ્યું ટેન્શન
પાકિસ્તાનના મિડલ ઓર્ડર બેટ્સમેન ખુશદિલ શાહે પ્રથમ મેચમાં 69 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જે પાકિસ્તાન માટે સકારાત્મક સંકેત છે. ખુશદિલ શાહ અગાઉ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ પસંદગી સમિતિએ તેમના પર વિશ્વાસ રાખ્યો હતો અને તેમણે પસંદગીકારોને નિરાશ કર્યા ન હતા. ભારત માટે સૌથી મોટી ચિંતા વિરાટ કોહલીની સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં અસમર્થતા છે. છેલ્લા કેટલાક સમયથી તે પહેલા જેવી એકાગ્રતા દેખાડી રહ્યો નથી અને તેણે પાકિસ્તાન સામે મોટી ઇનિંગ્સ રમવા માટે વધુ પ્રયાસો કરવા પડશે.
પાકિસ્તાન પર ભારે પડશે મોહમ્મદ શમી!
છેલ્લી મેચમાં પાકિસ્તાનના બોલરો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા ન હતા અને ભારતીય બેટ્સમેનો તેમની નબળાઈનો ફાયદો ઉઠાવશે અને શરૂઆતથી જ તેમના પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ભારતીય બોલિંગ સારી દેખાઈ રહી છે. ફિટ થઈને પરત ફરેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ છેલ્લી મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેને હર્ષિત રાણાનો પણ સારો સાથ મળ્યો. શમીની શાનદાર બોલિંગના કારણે હવે એ નક્કી થઈ ગયું છે કે ભારત ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા જસપ્રીત બુમરાહની કમી ખલવા નહીં દે.
સ્પિન બોલરોને મદદ મળવાની આશા
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ICC ટૂર્નામેન્ટોમાં પાકિસ્તાન સામે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની 2017ની ફાઇનલમાં પણ તેણે ભારતની આશાને અંત સુધી જીવંત રાખી હતી. છેલ્લી મેચ જીતનાર ભારતીય ટીમમાં કોઈ ફેરફારની શક્યતા નથી. પિચ સ્પિન બોલરોને મદદ કરશે તેવી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનું પ્લેઈંગ ઈલેવનમાં રહેવું નિશ્ચિત છે.
ટીમો આ મુજબ હશે!
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વરૂણ ચક્રવર્તી.
પાકિસ્તાનઃ મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), સલમાન અલી આગા (વાઈસ-કેપ્ટન), બાબર આઝમ, ઈમામ ઉલ હક, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન આફ્રિદી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે