ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઈન્ડિયા પહેલી મેચમાં હાર બાદ 0-1થી પાછળ છે. લીડ્સના હેડિંગ્લેમાં શાનદાર બેટિંગ છતાં ટીમ હારી હતી. મેચના અંતિમ દિવસે ઈંગ્લેન્ડે 371 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. હવે બધાની નજર બીજી ટેસ્ટ મેચ પર છે. આ મેચમાં કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ ટીમ ઈન્ડિયીની પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર કરી શકે છે.
બુમરાહ રમશે કે નહીં?
ભારત માટે પહેલી ટેસ્ટમાં 31 વર્ષના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પહેલી ઈનિંગમાં 24.4 ઓવરમાં 83 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં જો કે કોઈ વિકેટ મળી નહતી. પંરતુ તેણે વધુ રન પણ નહતા આપ્યા. સિરીઝની પહેલી મેચમાં બુમરાહ જ એકમાત્ર એવો બોલર હતો જેણે ઈંગ્લિશ બેટર્સ માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. હવે એવા રિપોર્ટ્સ છે કે બુમરાહ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.
કોણ બનશે રિપ્લેસમેન્ટ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બુમરાહને 2 જુલાઈથી 6 જુલાઈ સુધી બર્મિંઘમમાં રમાનારી બીજી ટેસ્ટમાં આરામ અપાશે. બુમરાહની ગેરહાજરીમાં શુભમન ગિલ એન્ડ કંપની માટે એજબેસ્ટનમાં એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. જો બુમરાહ બહાર થશે તો મોહમ્મદ સિરાજ મેજમાં પ્રસિદ્ધિ કૃષ્ણા સાથે ભારતના બોલિંગ આક્રમણનું નેતૃત્વ સંભાળશે. આકાશદીપ અને અર્શદીપમાંથી કોઈ પણ ત્રીજો સીમર હોઈ શકે છે.
ગત વર્ષે રાંચીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યા બાદ આકાશદીપે સાત ટેસ્ટ મેચ રમી છે જેમાં 15 વિકેટ ઝડપી છે. અર્શદીપ હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યુ કરી શક્યો નથી. પરંતુ તેણે સફેદ બોલ ક્રિકેટમાં ભારત માટે મોટી સફળતા મેળવેલી છે. જ્યારે ટી20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે અને તેણે વનડે મેચોમાં પણ પોતાના બોલિંગ પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. સિરાજ અને કૃષ્ણા પહેલી મેચ રમ્યા હતા અને ક્રમશ 2 (2+0) અને 5 (3+2) વિકેટ લીધી હતી. કૃષ્ણાએ આઈપીએલ 2025માં પર્પલ કેપ જીતી હતી. પરંતુ અહીં બંને ઈનિંગમાં છથી વધુ ઈકોનોમીથી રન આપ્યા. આમ છતાં તે રમવાનું ચાલુ રાખશે કારણ કે બુમરાહની ગેરહાજરીમાં ભારત પાસે કોઈ અન્ય વિકલ્પ નથી.
આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ શકે
જો બુમરાહ બહાર થાય તો ભારતીય ટીમમાં મેનેજમેન્ટ શાર્દુલ ઠાકુરની જગ્યાએ કુલદીપ યાદવને પણ પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. શાર્દુલે ભારત માટે પહેલી ઈનિંગમાં ફક્ત 6 ઓવર અને બીજી ઈનિંગમાં 10 ઓવર બોલિંગ કરી છે. બંને ઈનિંગમાં કશું ખાસ કરી શક્યો નથી. બર્મિંઘમમાં ભારતને 3 ફાસ્ટ બોલરોની મદદ માટે એક વિશેષજ્ઞ બોલરની વધુ જરૂર પડશે અને અહીં કુલદીપ કામ લાગી શકે છે. નીતિશકુમાર રેડ્ડી એક અન્ય વિકલ્પ છે જેના પર ભારતીય ટીમ મેનેજમેન્ટ શાર્દુલના રિપ્લેસમેન્ટ તરીકે વિચાર કરી શકે છે. બેટિંગમાં ફેરફારના કોઈ સંકેત નથી.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ માટે સંભવિત પ્લેઈંગ 11
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કિપર), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, આકાશદીપ, પ્રસિદ્ધિ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે