Home> Sports
Advertisement
Prev
Next

INDvsNZ: ગણતંત્ર દિવસ પર ટીમ ઈન્ડિયાની ભેટ, કીવીને 7 વિકેટે હરાવ્યું, સિરીઝમાં 2-0થી આગળ

ઓકલેન્ડમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડે 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 

 INDvsNZ: ગણતંત્ર દિવસ પર ટીમ ઈન્ડિયાની ભેટ, કીવીને 7 વિકેટે હરાવ્યું, સિરીઝમાં 2-0થી આગળ

ઓકલેન્ડઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેએલ રાહુલ (57*) અને શ્રેયસ અય્યર (44)ની ધમાકેદાર ઈનિંગની મદદથી ભારતીય ટીમે અહીં રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝના બીજા મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે પરાજય આપીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 17.3 ઓવરમાં 3 વિકેટે 135 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતીય ટીમ પ્રથમવાર ન્યૂઝીલેન્ડ સામે સતત બે ટી20 મેચમાં જીત મેળવવામાં સફળ થઈ છે. બંન્ને ટીમો વચ્ચે 29 જાન્યુઆરીએ સિરીઝની ત્રીજી ટી20 મેચ રમાશે. મહત્વનું છે કે પ્રથમ ટી20 મેચમાં ભારતે 6 વિકેટે વિજય મેળવ્યો હતો.

fallbacks

ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી પાસે સારી શરૂઆતની આશા હતી, પરંતુ રોહિતે નિરાશ કર્યા હતા. રોહિત આ મેચમાં માત્ર 8 રન બનાવી સાઉદીની ઓવરમાં આઉટ થયો હતો. ટેલરે રોહિતનો કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ટીમ સાઉદીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. સાઉદીના બોલ પર વિરાટ વિકેટકીપરને કેચ આપી બેઠો હતો. વિરાટ કોહલીએ 11 રન બનાવ્યા હતા. 

ત્યારબાદ શ્રેયસ અય્યર (44) અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા ભારતને જીત નજીક પહોંચાડ્યું હતું. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. રાહુલે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. અય્યર 33 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 44 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ 50 બોલમાં 57 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબે 8 રન બનાવી નોટઆઉટ હતો.

ભારતીય બોલરોનું દમદાર પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની શાનદાર બોલિંગ સામે ન્યૂઝીલેન્ડની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે 33 રન અને ટિમ સેફર્ટે અણનમ 33 રન બનાવ્યા હતા. આ સિવાય કોલિન મુનરો 26, રોસ ટેલર 14 અને કેપ્ટન કેન વિલિયમસને 14 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ બે, જ્યારે બુમરાહ, શાર્દુલ અને શિવમ દુબેએ એક-એક વિકેટ ઝડપી હતી. 

ભારતીય ટીમને લક્ષ્યનો પીછો કરવામાં મહારત હાસિલ છે, પરંતુ તેમ છતાં કીવી કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડ માટે માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરોની ઓપનિંગ જોડીએ 6 ઓવરમાં 48 રનની ભાગીદારી કરી હતી. છઠ્ઠી ઓવરના અંતિમ બોલ પર શાર્દુલે ગુપ્ટિલને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. 

ન્યૂઝીલેન્ડને માર્ટિન ગુપ્ટિલ (20 બોલ પર 33 રન)એ આક્રમક શરૂઆત અપાવી, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી અને 33 રનની અંદર કીવીની ચાર વિકેટ ઝડપી હતી. દુબેએ મુનરોને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. મુનરો 26 રન બનાવી આઉટ થયો હતો. જાડેજાએ 13મી ઓવરમાં ગ્રાન્ડહોમને આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ગ્રાન્ડહોમ 3 રન બનાવી આઉટ થયો હતો. 

જાડેજાએ 11મી ઓવરમાં બોલિંગ સંભાળી અને સતત બે ઓવરમાં કોલિન ડી ગ્રાન્ડહોમ (3) અને કેપ્ટન કેન વિલિયમસન (14)ને આઉટ કરીને કીવી ટીમને બેકફુટ પર ધકેલી દીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ અંતિમ ચાર ઓવરમાં માત્ર 23 રન બનાવી શકી હતી. રોસ ટેલરે 24 બોલનો સામનો કરવો પરંતુ તે એકપણ બાઉન્ડ્રી ફટકારી શક્યો નહતો. 

ટિમ સીફર્ટે 26 બોલ પર અણનમ 33 રન બનાવીને ન્યૂઝીલેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી જ્યારે બુમરાહે 21 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More