Ishan Kishan : વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે. 2023થી તેને ભારત માટે કોઈપણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી. તાજેતરમાં, તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને રમવાની તક મળી નહોતી. ત્યારે હવે આ યુવા ક્રિકેટર વિદેશી ટીમમાં જોડાયો છે. ઇશાન કિશને કાઉન્ટી ચેમ્પિયનશિપની બે મેચ માટે નોટિંગહામશાયર ક્રિકેટ ક્લબ સાથે કરાર કર્યો છે. તે ઇંગ્લેન્ડમાં રમાતી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
ઇશાન કિશન આ ટીમમાં જોડાયો
નોટિંગહામશાયર ક્રિકેટ ક્લબે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' દ્વારા ઇશાન કિશનના જોડાવાની માહિતી આપી. ક્લબે લખ્યું, 'ટ્રેન્ટ બ્રિજમાં આપનું સ્વાગત છે, ઇશાન કિશન.' ક્લબે માહિતી આપી છે કે ભારતીય વિકેટકીપર બેટ્સમેનએ ટીમ સાથે બે મેચ માટે કરાર કર્યો છે. કિશન નોટિંગહામશાયર તરફથી યોર્કશાયર સામે ટ્રેન્ટ બ્રિજ અને સમરસેટ ખાતે ટાઉન્ટનમાં રમતો જોવા મળશે. તે ટીમમાં કાયલ વેરિનનું સ્થાન લેશે.
કાવ્યા મારનના ઘરમાં કકળાટ, લગ્ન પહેલા જ કાકા-પિતાનો મોટો ઝગડો, શેરના ભાવ ગગડ્યા
ડેબ્યૂ માટે તૈયાર
નોટિંગહામશાયર વેબસાઇટ અનુસાર, ઇશાને કહ્યું, 'હું ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવાની મને પહેલી તક મળવાથી ખૂબ જ ઉત્સાહિત છું અને તે મારી કુશળતા બતાવવાની એક શ્રેષ્ઠ તક હશે. હું ખાતરી કરવા માંગુ છું કે હું એક સારો ક્રિકેટર બનું. ત્યાંની પરિસ્થિતિઓમાં રમવાથી ખરેખર મારી કુશળતામાં સુધારો થશે. ટ્રેન્ટ બ્રિજ એક પ્રખ્યાત મેદાન છે, જે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. હું ત્યાં રમવા માટે ઉત્સાહિત છું.'
ટીમના મુખ્ય કોચ પીટર મૂર્સે કહ્યું, 'આગામી બે ચેમ્પિયનશિપ મેચ માટે ઇશાનને ટીમ સાથે જોડીને અમે બધા ખુશ છીએ. ઇશાન કાઉન્ટી ક્રિકેટમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે એક હાર્ડ હિટિંગ મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે તેની રેડ-બોલ રમત વિકસાવી રહ્યો છે.'
ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે
26 વર્ષીય ઇશાન કિશન ટીમ ઇન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે. તે હાલમાં ટીમની બહાર છે. તેણે ભારત માટે છેલ્લી ટેસ્ટ જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. તેણે કુલ બે ટેસ્ટ મેચમાં એક અડધી સદીની મદદથી 78 રન બનાવ્યા છે. તેનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ શાનદાર છે. 58 ફર્સ્ટ ક્લાસ મેચની 98 ઇનિંગ્સમાં તેના બેટથી 3447 રન આવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી અને 17 અડધી સદી ફટકારી છે. તેનો ટોપ સ્કોર 273 રન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે