નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 11મી મેચમાં આજે સાંજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. દિલ્હીને પરાજય આપીને હૈદરાબાદની ટીમ આજે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાસિલ કરવા ઈચ્છશે. પહેલી બંન્ને મેચ હારીને હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. કોલકત્તા વિરુદ્ધ હૈદરાબાદને મળેલી હારે તેને વિચારવા માટે મજબૂર કરી દીધી છે. ટીમમાં ફેરફારની આશાતો નથી પરંતુ પ્રદર્શનમાં સુધાર કરવો પડશે.
દિલ્હીની ટીમે પાછલા મુકાબલામાં ચેન્નઈ જેવી ટીમને પરાજય આપ્યો છે. ત્યાર બાદ પણ ટીમમાં એક ફેરફાર જોવા મળી રહ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ફિટ હશે તો આવેશ ખાનના સ્થાને તેને સામેલ કરવામાં આવી શકે છે. ઓપનિંગમાં પૃથ્વી અને શોની જોડી ધમાલ મચાવી રહી છે. તો મિડલ ઓર્ડરમાં કેપ્ટન શ્રેયસ અય્યર, રિષભ પંત અને હેટમાયર છે. ઝડપી રન બનાવવા માટે ઓલરાઉન્ડર સ્ટોઇનિસ છે. બોલિંગની વાત કરીએ તો અમિત મિશ્રા અને અક્ષર પટેલ સ્પિન વિભાગમાં તો ફાસ્ટ બોલિંગની કમાન રબાડા અને નોર્ત્જે સંભાળી રહ્યા છે.
હૈદરાબાદ માટે વોર્નર અને બેયરસ્ટો સારી શરૂઆત કરી રહ્યાં છે પરંતુ આ મેચમાં બંન્નેએ મોટી ઈનિંગ રમવી પડશે. મનીષ પાંડે લયમાં છે પરંતુ ઈનિંગને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં તેને બીજા છેડે મદદ મળી નથી. સાહા, પ્રિયમ અને નબીએ અંતિમ ઓવરોમાં ટીમને મજબૂતી અપાવવી પડશે. હૈદરાબાદની બોલિંગમાં રાશિદ ખાન અને ભુવનેશ્વર જેવા અનુભવી બોલર છે. ખલીલ અહમદ અને ટી નટરાજન જેવા યુવાઓએ પણ સારૂ પ્રદર્શન કર્યું છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત ઇલેવન
પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર (કેપ્ટન), શિમરોન હેટમાયર, રિષભ પંત, માર્કસ સ્ટોઇનિસ, અક્ષર પટેલ, અમિત મિશ્રા, કગિસો રબાડા, એનરિચ નોર્ત્જે, ઇશાંત શર્મા/આવેશ ખાન.
હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેયરસ્ટો, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, રિદ્ધિમાન સાહા, મોહમ્મદ નબી/કેન વિલિયમસન, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, ટી નટરાજન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે