નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન 22 માર્ચથી શરૂ થશે અને લોકસભા ચૂંટણી છતાં તેનું આયોજન સંપૂર્ણ રીતે દેશમાં થશે. આઈપીએલના ચેરમેન અરૂણ ધૂમલે આ જાણકારી આપી છે. સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મેમાં યોજાવાની સંભાવના છે અને આ કારણ છે કે આઈપીએલ 2024નો કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
ધૂમલે પીટીઆઈ-ભાષાને કહ્યું- શરૂઆતમાં 17મી સીઝનના માત્ર પહેલા 15 દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. બાકી મેચનો કાર્યક્રમ ચૂંટણીની તારીખો બાદ જાહેર થશે. લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત આગામી મહિનાની શરૂઆતમાં થવાની સંભાવના છે. ધૂમલે કહ્યું- અમે ટૂર્નામેન્ટને 22 માર્ચથી શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. અમે સૌથી પહેલા શરૂઆતી કાર્યક્રમ જાહેર કરીશું. આ ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે.
આ પણ વાંચોઃ ક્રિકેટ મેચ છોડીને હાલ વડોદરામાં બે રૂમના ફ્લેટમાં રહે છે આ ફેમસ ક્રિકેટર
આ પહેલા 2009ની લોકસભા ચૂંટણીને કારણે આઈપીએલનું આયોજન આફ્રિકામાં કરવામાં આવ્યું હતું, જ્યારે 2014માં કેટલીક મેચોનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન લીગનું આયોજન દેશમાં જ થયું હતું. જૂનમાં યોજાનાર ટી20 વિશ્વકપને ધ્યાનમાં રાખી આઈપીએલ ફાઈનલ 26 મેએ રમાઈ શકે છે.
ભારતીય ટીમ ટી20 વિશ્વકપમાં 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત એક જૂને અમેરિકા અને કેનેડાના મેચની સાથે થશે. સામાન્ય રીતે આઈપીએલની ઉદ્ઘાટન મેચ પાછલા વર્ષની વિજેતા અને રનર્સ-અપ વચ્ચે થાય છે. તેવામાં તેના શરૂઆતી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે