નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 પહેલા ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં થશે. બીસીસીઆઈએ સોમવારે આ જાહેરાત કરી હતી. આ હરાજી એક દિવસ ચાલશે. તેના આયોજન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તે બેંગલુરૂની જગ્યાએ જયપુરમાં યોજાશે. માત્ર 70 ખેલાડીઓને હરાજીમાં જગ્યા આપવામાં આવી છે જેમાં 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડી સામેલ છે.
આઠ ટીમોની પાસે હરાજીમાં બોલી લગાવવા માટે કુલ 145 કરોડ 25 લાખ રૂપિયાની રકમ છે. હરાજી પહેલા ગત મહિને ટીમોએ રિટેન કરેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી અને આ દરમિયાન કેટલાક મોટા નામોને રિલીઝ કરવામાં આવ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબે યુવરાજ સિંહ જ્યારે દિલ્હી ડેયરડેવિલ્સે ગૌતમ ગંભીરને રિલીઝ કર્યો હતો.
વર્ષ 2018ની સિઝનની હરાજીમાંજ યદેવ ઉનડકટ માટે 11.50 કરોડ રૂપિયાની બોલી લગાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સે તેને રિલીઝ કરી દીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ઈજાગ્રસ્ત ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને વેસ્ટઈન્ડિઝના ટી20 કેપ્ટન બ્રેથવેટને પણ રિલીઝ કરી દીધા છે.
મુંબઈ ઈન્ડિયન્સે જેપી ડ્યુમિની, પેટ કમિન્સ અને મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સ્થાન આપ્યું નથી. લોકસભાની ચૂંટણી અને આઈપીએલની તારીખોમાં જો ટકરાવ થશે તો ટૂર્નામેન્ટની કેટલિક મેચ અથવા તો આખો આઈપીએલનું આયોજન ભારતની બહાર થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે