નવી દિલ્હીઃ 22 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ રહી છે. ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે થશે. આ મેચ ચેન્નઈમાં રમાશે. આઈપીએલ દરમિયાન દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ક્રિકેટ ફેન્સ માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન 50 ભારતીય શહેરોમાં ફેન પાર્ક દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
બીસીસીઆઈએ આપી જાણકારી
આઈપીએલે એક નિવેદનમાં કહ્યું- ભારતીય ક્રિકેટ બોર્ડ હંમેશા રમતને દુનિયાભર અને દેશભરના પ્રશંસકોને નજીક લાવવાનો પ્રયાસ કરે છે અને તેને ધ્યાનમાં રાખતા વર્ષ 2015માં ફેન પાર્ક શરૂ કરવામાં આવ્યા હતા. શુક્રવારથી શરૂ થઈ રહેલી આઈપીએલ 2024ના પ્રથમ સપ્તાહમાં 15 ફેન પાર્ક હશે.
આ પણ વાંચોઃ IPL માં એકપણ મેચ રમ્યા વગર ખેલાડીઓને મળે છે કરોડો રૂપિયા, જાણો કારણ
આ રાજ્યોમાં ફેન પાર્ક
11 ભારતીય રાજ્યો- ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરાખંડ, ગુજરાત, કર્ણાટક, ઝારખંડ, પંજાબ અને તેલંગણા- આઈપીએલ 2024ના પ્રથમ બે સપ્તાહમાં ફેન પાર્કની યજમાની કરશે. દરેક સપ્તાહે વિવિધ શહેરોમાં એક સાથે ફેન પાર્કનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેન પાર્કમાં દર્શકોના મનોરંજન માટે અનેક સુવિધા ઉભી કરવામાં આવે છે. એક સાથે હજારો લોકો મોટી સ્ક્રીનમાં મેચ જોઈ શકે છે.
ગુજરાતના આ બે શહેરોમાં ફેન પાર્ક
બીસીસીઆઈ દ્વારા ગુજરાતના બે શહેરોમાં ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ ચાહકો આ ફેન પાર્કમાં જઈને આઈપીએલની મજા માણી શકશે. બીસીસીઆઈએ આપેલી માહિતી પ્રમાણે નડિયાડમાં 30 અને 31 માર્ચે ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં 6 અને 7 એપ્રિલે ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે