હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ઈનિંગમાં લીડ મેળવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાએ મેચ ગુમાવવી પડી હતી. હવે આઈસીસીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ફટકાર લગાવી છે. બુમરાહ પર આરોપ છે કે તેણે હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન હેઠળ મેચ દરમિયાન આઈસીસી આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કર્યું છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાનો અપરાધ સ્વીકાર પણ કરી લીધો છે.
જસપ્રીત બુમરાહે કયો ગુનો કર્યો?
બુમરાહે આઈસીસી આચાર સંહિતાના અનુચ્છેદ 2.12 નું ઉલ્લંઘન કર્યું, જે કોઈ ખેલાડી સામે લડવા, મેચ રેફરી સામે શારીરિક રીતે ટકરાવાને કારણે થાય છે. આ સિવાય બુમરાહના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં આ બુમરાહનો પ્રથમ ગુનો છે. હકીકતમાં ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 81મી ઓવરમાં ઓલી પોપ અને જસપ્રીત બુમરાહ આમને-સામને આવી ગયા હતા.
બુમરાહને ફટકાર અને એક ડિમેરિટ પોઈન્ટ
બુમરાહે પોતાના અપરાધનો સ્વીકાર કર્યો અને આઈસીસી એલીટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસનની સજાનો પણ સ્વીકાર કરી લીધો, તેથી ઔપચારિક સુનાવણીની જરૂરીયાત નથી. મેદાની અમ્પાયર પોલ રિફેલ અને ક્રિસ ગેફની, ત્રીજા અમ્પાયર મારાઇસ ઇરાસ્મસ અને ચોથા અમ્પાયર રોહન પંડિતે બુમરાહ પર આરોપ લગાવ્યો હતો. લેવલ 1ના ઉલ્લંઘનની સૌથી ઓછી સજા દંડ કે સત્તાવાર ફટકાર હોય છે, જ્યારે વધુમાં વધુ સજા 50 ટકા મેચ ફી કે બે ડિમેરિટ પોઈન્ટ હોય છે.
આઈસીસી કઈ રીતે નક્કી કરે છે પ્લેયર્સની સજા?
અહીં તે જણાવવું જરૂરી છે કે જ્યારે કોઈ ખેલાડી 24 મહિનાના ગાળાની અંદર ચાર કે વધુ નેગેટિવ પોઈન્ટ સુધી પહોંચે છે તો તેને સસ્પેન્ડ કરી શકાય છે. બે નેગેટિવ પોઈન્ટ એક ટેસ્ટ કે બે વનડે કે બે ટી20 મેચમાં પ્રતિબંધ બરાબર હોય છે. ડેમિરેટ પોઈન્ટ (24) મહિના સુધી યથાવત રહેશે. ત્યારબાદ તેને હટાવી દેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે