ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં ટોપ પર પહોંચી ગયો છે. થોડા દિવસો પહેલા જ તેના યુવા સાથી ખેલાડી હેરી બ્રુકથી પાછળ રહી ગયા બાદ આ અનુભવી ખેલાડીએ ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ફરીથી નંબર 1 સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત વિરાટ કોહલીના મિત્રોમાં સામેલ ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસનને પણ મોટો ફાયદો થયો છે. તે બીજા સ્થાને પહોંચી ગયો છે.
લોર્ડ્સ ટેસ્ટમાં કેવું રહ્યું જો રૂટનું પ્રદર્શન ?
લોર્ડ્સમાં તેના શાનદાર પ્રદર્શન બાદ રૂટની ટોપના સ્થાને વાપસી થઈ છે. આ પ્રતિષ્ઠિત મેદાન પર તેણે પ્રથમ ઇનિંગમાં શાનદાર 104 અને બીજી ઇનિંગમાં મહત્વપૂર્ણ 40 રન બનાવ્યા હતા. તેના પ્રયાસોએ ઈંગ્લેન્ડની ભારત સામે સાત વિકેટથી જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સાથે યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી છે.
તાજેતરના રેન્કિંગ અપડેટમાં રૂટ 888 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર પાછો ફર્યો છે અને બ્રુક (862)ને ત્રીજા સ્થાને ધકેલી દીધો છે. તમને જણાવી દઈએ કે રૂટ 8મી વખત પ્રથમ સ્થાને પહોંચ્યો છે.
ભારતીય ખેલાડીઓને કેટલું નુકસાન થયું ?
યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત એક-એક સ્થાન સરકીને અનુક્રમે પાંચમા અને આઠમા સ્થાને પહોંચી ગયા છે. કેપ્ટન શુભમન ગિલ લોર્ડ્સમાં નિષ્ફળ ગયો અને ત્રણ સ્થાનના નુકશાન સાથે તે હવે નવમા સ્થાને આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ વેસ્ટ ઈન્ડિઝ સામે 48 રનની લડાયક ઇનિંગ બાદ ચોથા સ્થાને પહોંચ્યો છે.
બોલરોમાં પ્રથમ સ્થાને કોણ છે ?
ભારતનો દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાને છે. તેના 901 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાના સ્કોટ બોલેન્ડ ટોપ 10માં પ્રવેશ્યો છે. તે છ સ્થાન ઉપર ચઢીને સીધો છઠ્ઠા સ્થાને આવી ગયો છે. ભારતના અનુભવી સ્પિનર રવિન્દ્ર જાડેજાને નુકસાન થયું છે. તે 15મા સ્થાનથી 16મા સ્થાન પર સરકી ગયો છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં જાડેજા હજુ પણ નંબર વન પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે