લોકસભા ચૂંટણી 2024 ક્રિકેટરો માટે ભાગ્યશાળી સાબિત થશે. આ ચૂંટણીમાં એક નહીં, બે-બે પૂર્વ ક્રિકેટરોએ જીત મેળવી છે. રસપ્રદ વાત એ છે કે આ બંને જ ક્રિકેટરો પોત પોતાના સમયે વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂક્યા છે અને બંને એક જ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.
અમે જે ક્રિકેટરોની વાત કરી રહ્યા છીએ તે છે ગુજરાતના યુસુફ પઠાણ અને કિર્તી આઝાદ. કીર્તિ આઝાદ 1983માં કપિલ દેવના નેતૃત્વ હેઠળ વિશ્વ કપ જીતનારી ટીમનો ભાગ રહી ચૂક્યા છે. તેમણે લોકસભા ચૂંટણી પશ્ચિમ બંગાળની બર્ધમાન-દુર્ગાપુર સીટથી લડી અને જીત્યા. કીર્તી આઝાદે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ ઘોષને 1,37,981 મતથી હરાવ્યા.
બીજી બાજુ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે પાંચવાર સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા. ગુરાતના પઠાણે પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠક 59,351 મતથી જીતી. યુસુફ પઠાણ 2007 અને 2011માં વિશ્વકપ જીતનારી ભારતીય ટીમના સભ્ય રહી ચૂક્યા છે. યુસુફ પઠાણે પહેલીવાર રાજકારણમા ભાગ્ય અજમાવ્યું અને જીત્યા જ્યારે કિર્તી આઝાદને રાજકારણનો સારોએવો અનુભવ છે. તેઓ અગાઉ પણ સાંસદ રહી ચૂક્યા છે.
અન્ય ખેલાડીઓની વાત કરીએ તો ભાલા ફેંકમાં બેવાર પેરાલિમ્પિક ચેમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયા રાજસ્થાનની ચુરુ બેઠક પરથી હાર્યા. તેમને કોંગ્રેસના રાહુલ કસ્વાએ 72,737 મતથી હરાવ્યા. દિગ્ગજ હોકી ખેલાડી અને હોકી ઈન્ડિયાના હાલના અધ્યક્ષ દિલીપ ટિર્કી પણ ચૂંટણી હાર્યા. તેઓ બીજુ જનતા દળ તરફથી સુંદરગઢ બેઠકથી ચૂંટણી લડ્યા જ્યાં તેમને ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામે 1,36,737 મતથી હરાવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે