નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને હાલના સમયમાં બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે. તે એક બાદ એક ઘણા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છે કે એક સમયે તેની પસંદગીથી 2008માં તત્કાલીન કેપ્ટન એમએસ ધોની, કોચ ગેરી કર્સ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ શ્રીનિવાસન ખુશ નહતા. આ વાતનો ખુલાસો તે સમયે સિલેક્શન ટીમના ચેરમેન રહેલા દિલીપ વેંગસરકરે કર્યો છે.
તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, મેં અને મારી સિલેક્શન પેનલે અન્ડર-23ના કેટલાક ખેલાડીઓને ટીમમાં લેવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે ભારતીય ટીમે અન્ડર-19 વિશ્વકપનું ટાઇટલ કોહલીની આગેવાનીમાં જીત્યુ હતું. તેણે ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. અમે 2008માં શ્રીલંકાના પ્રવાસ માટે તેની પસંદગી કરી લીધી હતી. પરંતુ અમારા આ નિર્ણયથી ટીમનો કેપ્ટન એમએસ ધોની ખુશ નહતો.
તેમણે આગળ જણાવ્યું, 'ગેરી કર્સ્ટન અને ધોનીએ વિરાટ માટે સ્પષ્ટ ના કહી હતી. બંન્નેએ કહ્યું હતું કે, તેણે રમતા જોયો નથી અને અમે જૂની ટીમની સાથે શ્રીલંકા જશું. મે તેમને જણાવ્યું કે, આ છોકરાને રમતો જોયો છે, તેણે ટીમમાં હોવું જોઈએ. ત્યાં સુધી કે ધોની અને તત્કાલીન બીસીસીઆઈ પ્રમુખ એન. શ્રીનિવાસને કહ્યું હતું કે, એસ. બદ્રીનાથે ટીમમાં હોવું જોઈએ. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તે થયું પણ. પરંતુ વિરાટને પણ શ્રીલંકાના પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળી ગયું હતું.'
વેંગસરકરનું કહેવું છે કે આ વાતથી નારાજ થઈને શ્રીનિવાસને તેમનો મુખ્ય પસંદગીકારનો કાર્યકાળ જલદી સમાપ્ત કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટે શ્રીલંકા વિરુદ્ધ વનડેમાં પર્દાપણ કર્યું હતું. તેણે 18 ઓગસ્ટ, 2008ના પ્રથમ મેચમાં ઓપનિંગ કરતા 22 બોલમાં એક ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા હતા, જ્યારે એસ. બદ્રીનાથે આગામી વનડે એટલે કે 20 ઓગસ્ટે પર્દાપણ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે