ENG vs IND: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એઝબેસ્ટનમાં ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં બીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલે 269 રનની મદદથી ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આ વચ્ચે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે અને તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. જાડેજાએ ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી અને 89 રન ફટકાર્યા હતા. ગિલ અને જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 203 રનની ભાગીદારી થઈ હતી.
પોતાની 89 રનની ઈનિંગ દરમિયાન જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 2000 રન પૂરા કર્યા હતા. આ સાથે જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 2000 રન અને 100 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જાડેજા WTC માં 41 ટેસ્ટ મેચમાં 2010 રન બનાવી ચૂક્યો છે, જ્યારે બોલિંગ કરતા તેણે 132 વિકેટ પણ લીધી છે.
WTC માં સૌથી વધુ વિકેટ લેનારના લિસ્ટમાં જાડેજા સામેલ
36 વર્ષીય રવીન્દ્ર જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ટોપ-10મા છે. તે આઠમાં નંબર પર છે. તેણે 41 મેચમાં 132 બેટરને શિકાર બનાવ્યા છે. WTC માં સૌથી વધુ વિકેટ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લાયનના નામે છે. તેણે 53 મેચમાં 213 વિકેટ લીધી છે. બીજા સ્થાને ક્રમશઃ પેટ કમિન્સ (210) અને આર અશ્વિન (195) છે. ટોપ-10મા અશ્વિન અને જાડેજા સિવાય ભારતીયોમાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ છે, જે 161 વિકેટની સાથે પાંચમાં સ્થાન પર છે.
ભારતે બનાવ્યા હતા 587 રન
એઝબેસ્ટન ટેસ્ટની વાત કરીએ તો શુભમન ગિલના 269 રન અને જાયસ્વાલ-જાડેજાની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 587 રન ફટકાર્યા હતા. જયસ્વાલે 87 તો જાડેજાએ 89 રન ફટકાર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે