Rohit Sharma Retirement: રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિ અંગે અપડેટ આપ્યું છે. જો કે, તે વનડેમાં ટીમ ઈન્ડિયામાં યોગદાન આપતો જોવા મળશે. રોહિતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ડેબ્યૂ કેપ સાથે એક ભાવનાત્મક સંદેશ લખ્યો છે. ભારત જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે જવાનો છે, જેના એક મહિના પહેલા રોહિતે નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.
રોહિતે લખ્યો ભાવુક સંદેશ
રોહિત શર્માએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની ડેબ્યૂ કેપ શેર કરી અને લખ્યું કે, 'બધાને નમસ્તે, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. સફેદ જર્સીમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી તમારા પ્રેમ અને સમર્થન બદલ આપ સૌનો આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.
સેલેક્ટર્સ શોધી રહ્યા છે નવા કેપ્ટન
રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશીપને લઈ મોટા સમાચાર આવ્યાના થોડા કલાકો બાદ જ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. એક સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, 'પસંદગીકારોનો વિચાર સ્પષ્ટ છે.' તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે નવા કેપ્ટન ઇચ્છે છે અને રોહિત કેપ્ટન તરીકે ફિટ બેસતો નથી, ખાસ કરીને તેના રેડ બોલના ફોર્મને ધ્યાનમાં રાખીને. તેઓ આગામી ટેસ્ટ ચક્ર માટે એક યુવાન નેતાને તૈયાર કરવા માંગે છે અને પસંદગી સમિતિએ BCCI ને જાણ કરી છે કે રોહિત ટીમનું નેતૃત્વ કરશે નહીં.
કેવું રહ્યું કરિયર?
રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરમાં 67 મેચ રમી છે, જેમાં તેમણે 4301 રન બનાવ્યા છે. હિટમેનનો સર્વોચ્ચ સ્કોર 212 હતો અને તેમણે આ ફોર્મેટમાં 12 સદી અને 18 અડધી સદી ફટકારી હતી. ગયા વર્ષે કેપ્ટન તરીકે તેમણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચાડી હતી. જો કે, ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે