નવી દિલ્હી: હર્ષલ ગિબ્સ પોતાની કરિયર દરમિયાન અનેક મોટા વિવાદોના કારણે ચર્ચામાં રહ્યો છે. વર્ષ 2001માં હર્ષલ ગિબ્સ એન્ટીગાના જોલી બીચ રિસોર્ટના એક રૂમમાં મરિઝૂઆના (ગાંજો) ફૂંકતા પકડાયો હતો. દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટર રહી ચૂકેલા હર્ષલ ગિબ્સના નામે અનેક દમદાર રેકોર્ડ નોંધાયેલા છે. ગિબ્સ એ બેટર છે જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટામે વનડે ઈતિહાસના સૌથી મોટા લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કરીને પોતાના નામે રેકોર્ડ નોંધાવ્યો.
ગાંજો ફૂંકતો પકડાયો હતો ગિબ્સ
વર્ષ 2001માં શોન પોલોકની કેપ્ટનશીપ હેઠળ દક્ષિણ આફ્રિકાની વનડે ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ટેસ્ટ અને વનડે સિરીઝ રમવા માટે ગઈ હતી. 11 મેની રાતે હર્ષલ ગિબ્સ એન્ટીગામાં ગાંજો ફૂંકતો પકડાયો હતો. ગિબ્સની સાથે તેના સાથી ખેલાડી રોઝર ટેલેમાક્સ, પોલ એડમ્સ, જસ્ટિન કેમ્પ અને આંદ્રે નીલ પણ સામેલ હતા. એટલું જ નહીં ખેલાડીઓની સાથે દક્ષિણ આફ્રિકી ટીમના કોચિંગ સભ્યો પણ સામેલ હતા.
સ્મિથ પણ આ મહેફિલનો ભાગ હતો
દક્ષિણ આફ્રિકાની ટીમના તત્કાલન ફિઝિયો ક્રેગ સ્મિથ પણ આ મહેફિલનો ભાગ હતા. ત્યારબાદ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ હર્ષલ ગિબ્સ સહિત ટીમના સભ્યો પર આકરી કાર્યવાહી કરતા 10 હજાર સાઉથ આફ્રિકન રેન્ડનો દંડ ફટકાર્યો હતો. હર્ષલ ગિબ્સ ફિક્સિંગની જાળમાં પણ ફસાયો હતો. વર્ષ 2000માં હર્ષલ ગિબ્સને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયો હતો.
દારૂના નશામાં ઠોક્યા હતા 175 રન
હર્ષલ ગિબ્સે દારૂના નશામાં 12 માર્ચ 2006ના રોજ જોહાનિસ્બર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. આફ્રિકી ટીમે વનડે ઈતિહાસનો સૌથી મોટા લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જેણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 434 રન ફટકાર્યા હતા. જે તે સમયનો સૌથી મોટો સ્કોર હતો. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહતું કે આટલો મોટો સ્કોર બનાવ્યા બાદ કોઈ ટીમ હારી પણ શકે છે.
નશાની હાલતમાં રમી તોફાની ઈનિંગ
દક્ષિણ આફ્રિકાની આ જીતનો હિરો હર્શલ ગિબ્સ હતો. જેણે 111 બોલમાં 175 રનની અવિશ્વસનીય ઈનિંગ રમી હતી. હર્ષલ ગિબ્સે પોતાની ઈનિંગમાં 21 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. એવું કહેવાય છે કે આ મેચ દરમિયાન તે દારૂના નશામાં હતો અને નશાની હાલતમાં જ તેણે આ ઈનિંગ રમી હતી. ગિબ્સ પોતે ખુલાસો કરી ચૂક્યો છે કે તે દારૂના નશામાં હતો. ગિબ્સે ઓટોબાયોગ્રાફી 'ટુ ધ પોઈન્ટ: ધ નો હોલ્ડ્સ બાર્ડ' (To the point: The no-holds-barred) માં જણાવ્યું છે કે તે મેચ પહેલાની રાતે તેણે ખુબ દારૂ પીધો હતો અને મેચવાળા દિવસે તે હેંગઓવરમાં હતો.
6 બોલ પર ઠોક્યા હતા 6 છગ્ગા
પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈક હસીએ પણ પોતાના પુસ્તકમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે 'સૂતા પહેતા મે મારી હોટલના રૂમની બહાર જોયુ કે ગિબ્સ હજુ પણ ત્યાં છે. ગિબ્સ જ્યારે સવારે નાશ્તા માટે આવ્યો હતો, ત્યારે પણ તે નશામાં જોવા મળી રહ્યો હતો.' હર્ષલ ગિબ્સની કરિયર 15 વર્ષ ચાલી, હર્ષલ ગિબ્સ પહેલો એવો બેટર છે જેણે વનડે ક્રિકેટમાં એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે