અફઘાનિસ્તાન વિરુદ્ધ સજ્જડ હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનું વર્લ્ડ કપ 2023 અભિયાન હવે જોખમમાં આવી ગયું છે. ટીમના સેમી ફાઈનલમાં પ્રવેશવાના ચાન્સ ધૂંધળા બની ગયા છે. જો કે સારી વાત એ છે કે ટીમ હજુ પણ સેમી ફાઈનલમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ સતત ત્રણ મેચ હારી ચૂકેલી પાકિસ્તાનની ટીમ પોતાના દમ પર સેમી ફાઈનલની ટિકિટ મેળવી શકશે નહીં. બાબર આઝમ એન્ડ કંપનીએ અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. હવે આખો સિનેરિયો શું છે તે પણ તમારે જાણવો જરૂરી છે. જે હેઠળ પાકિસ્તાનની ટીમ સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.
વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનની ટીમ હાલ પાંચ મેચમાંથી 2 જીત સાથે 4 અંક મેળવીને પાંચમા નંબરે છે. પરંતુ આ પાંચમા નંબરનું સ્થાન તેની પાસે વધુ સમય રહેશે નહીં. જો કે અહીં વાત એ કરવાની છે કે ટીમ સેમી ફાઈનલમાં કઈ રીતે પહોંચી શકે. એનો જવાબ એ છે કે પહેલા તો પાકિસ્તાને એ સુનિશ્ચિત કરવું પડશે કે ટીમ બાકી બચેલી ચારેય મેચ જીતી જાય. પાકિસ્તાન હજુ પણ દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ તથા ઈંગ્લેન્ડ સામે રમવાનું છે. જેમાંથી ત્રણ ટીમો ખતરનાક છે.
પાકિસ્તાનને કેવી રીતે મળશે સેમી ફાઈનલની ટિકિટ
બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમ જો બાકીની 4 મેચ જીતી જાય તો ટીમના ખાતામાં 6 જીત બાદ 12 અંક થાય. આ દરમિયાન ટીમનો નેટ રનરેટ ખુબ મહત્વનો બની રહેશે. ટીમ સારા માર્જિન સાથે જીતવામાં સફળ થાય તો પોતાના દમ પર સેમી ફાઈનલમાં પહોંચી શકે છે. જો કે ફક્ત જીત જ સેમી ફાઈનલની ટિકિટ નહીં અપાવે. કારણ કે અન્ય ટીમો પાસે 14 કે તેથી વધુ અંકો સુધી પહોંચવાની તક છે.
1992ના વર્લ્ડ કપ વિજેતા રહી ચૂકેલી ટીમ હાર સહન કરી શકશે નહીં. જો સાઉથ આફ્રિકા વિરુદ્ધ આગામી મેચ ટીમ હારી જાય તો પછી સેમી ફાઈનલના દરવાજા બંધ થઈ શકે છે. આવનારી ચારેય મેચ પાકિસ્તાન માટે અઘરી છે. કારણ કે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ હાલ દમદાર પ્રદર્શન કરી રહી છે. જ્યારે ઈંગ્લેન્ડ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભલે તે હાલ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે હોય પણ ગમે ત્યારે બાઉન્સ બેક કરી શકે છે. બાંગ્લાદેશ પણ પોતાના દમ પર કોઈને પણ હરાવવા માટે સક્ષમ છે. આ જ કારણ છે કે પાકિસ્તાન માટે આગામી સમય કપરો છે.
શક્ય છે કે એક ટીમને સેમી ફાઈનલમાં સ્થાન સુરક્ષિત કરવા માટે ઓછામાં ઓછા 6 મેચની જીત (12 પોઈન્ટ)ની જરૂર રહે. જો કોઈ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય અને તેનું પરિણામ ન આવે તો પછી સ્થિતિ વધુ ગૂંચવાઈ શકે છે. ભારત પાંચમાંથી પાંચ મેચ જીતી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભારતના સેમી ફાઈનલમાં પહોંચવાની ચાન્સ સૌથી વધુ છે. જે ટીમો પાસે 14 કે તેનાથી વધુ અંક મેળવવાની તક હોય તેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ઉપરાંત સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે