નવી દિલ્હીઃ પુણેમાં પોર્શે કારથી અકસ્માત બાદ આરોપી સગીરને જામીન મળતા દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સગીર અને તેના વાલીઓ પર કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. સગીરે નશાની હાલતમાં 200 kmph ની સ્પીડથી કાર ચલાવી હતી, જેની ટક્કરમાં બે બાઇક સવારના મોત થયા હતા. પરંતુ આ દુર્ઘટનામાં ભૂલ કોની છે, સગીર કે તેને ગાડીની ચાવી આપનાર તેના પિતાની?
જો તમારી કાર કે બાઇકથી કોઈને ટક્કર વાગી અને તે વ્યક્તિનું મોત થયું તો ગુનેગાર કોણ ગણાશે અને સજા કોને થશે? જો તમે પણ તમારી બાઇક કે કાર બીજાને ચલાવવા માટે આપો છો તો તમને આ સવાલનો જવાબ જરૂર ખબર હોવી જોઈએ. ઘણા માતા-પિતા પોતાની કારની ચાવી સગીર બાળકોને ચલાવવા માટે આપે છે. જો તમે પણ આવું કરો તો જાણીલો અકસ્માતના સમયે દોષી કોને માનવામાં આવશે.
સગીરને વાહન આપવા પર શું છે સજા?
સગીરને વાહન ચલાવવા આપવું કાયદાકીય રીતે ગુનો છે. મોટર વાહન કાયદા અનુસાર કાર-બાઇક કે કોઈ વાહન ચલાવવાની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. જો તમારૂ બાળક સગીર છે અને તમે તેને વાહનની ચાવી આપો છો તો તેને ગુનો માનવામાં આવશે. જો તે વાહનથી અકસ્માતમાં કોઈનો જીવ ગયો તો તે કેસમાં સગીરની સાથે માતા-પિતાને પણ આરોપી બનાવવામાં આવશે. મોટર વાહન કાયદા અનુસાર આ મામલામાં માતા-પિતાને ત્રણ વર્ષ સુધીની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય 13 મહિના માટે વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ્દ થઈ શકે છે.
આ પણ વાંચોઃ આનંદો! Google Maps પર મફતમાં લિસ્ટ કરો તમારું ઘર કે ઓફિસનું લોકેશન, જાણો સરળ રીત
શું કહે છે કાયદો?
મોટર વ્હીકલ એક્ટની કલમ 005 અને 195માં તે વાત સ્પષ્ટ રૂપે લખેલી છે કે સગીરને જો તમે ગાડીની ચાવી આપો છો અને કોઈ અકસ્માત થાય છે તો તે કેસમાં માતા-પિતા પણ એટલા દોષી છે જેટલો સગીર. તેથી હવે તમે કોઈને વાહનની ચાવી આપી રહ્યાં છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે જેને ચાવી આપી રહ્યાં છો તે સગીર છે કે નહીં.
જો તે વ્યક્તિ વયસ્ક છે તો તેની પાસે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. જો તમે એવા કોઈ વ્યક્તિને કારની ચાવી આપી છે જે પુખ્ત છે અને જો આવું કંઈ થાય છે તો પછી તે કેસમાં ડ્રાઇવરની જવાબદારી માનવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે