વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ભાખરી કે પરોઠા સાથે ખાવા માટે ચટાકેદાર દેશી શાક મળી જાય તો જલસો પડી જાય છે.
આજે તમને આવી જ એક વાનગી વિશે જણાવીએ. જેને બનાવવામાં સમય ફક્ત 10 મિનિટનો જ લાગશે.
જે વાનગીની વાત થઈ રહી છે તે છે ટમેટાનું ભરથું. આ શાક રુટીનમાં બનતા શાક કરતાં એકદમ અલગ અને સ્વાદિષ્ટ છે.
ટામેટા, તેલ, લીલા મરચાં, લસણ, ધાણાની દાંડી, જીરું, રાઈ, ડુંગળી, હળદર, મરચું, મીઠું, ખાંડ, સંચળ, લીલા ધાણા
સૌથી પહેલા ટમેટાને ગેસ પર શેકી લો અને તેની છાલ કાઢી સાઈડ પર રાખો. એક પેનમાં લસણ, લીલા મરચાં અને ધાણાની દાંડી શેકી તેની પણ પેસ્ટ બનાવી લો.
હવે ભરથું બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું વઘારો અને સાથે જ ડુંગળી ઉમેરો. ડુંગળીમાં શેકેલા લસણ-મરચાંની પેસ્ટ પણ ઉમેરી દો.
5 મિનિટમાં બધો જ મસાલો કુક થઈ જશે પછી તેમાં મરચું, હળદર, મીઠું, ખાંડ ઉમેરી શેકેલા ટમેટા ઉમેરી દો.
ટમેટાને પેનમાં ચમચા વડે અધકરચા મેશ કરી લો અને છેલ્લે તેમાં થોડું સંચળ અને લીલા ધાણા ઉમેરી સર્વ કરો.
ટમેટાનું આ શાક ભાખરી, પરોઠા સાથે સૌથી વધારે સ્વાદિષ્ટ લાગે છે.