ભારતની પૌરાણિક કથાઓમાં ભસ્માસુરનો ઉલ્લેખ છે. જેના વિશે કહેવાતું હતું કે જેના પર તે હાથ મૂકે તે ભસ્મ થઈ જાય. બાદમાં ભગવાને ખુબ ચતુરતાઈથી તેનો હાથ તેના પર જ મૂકાવી દીધો અને તે ભસ્મ થઈ ગયો. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક પ્લાન હાલના દિવસમાં આખી દુનિયા માટે ભસ્માસૂર સાબિત થઈ રહ્યો છે. પરંતુ હવે એવું લાગે છે કે આ પ્લાનની ઝપેટમાં અમેરિકા પણ આવવા લાગ્યું છે. સ્થિતિ એવી બની છે કે અમેરિકી ટેરિફની અસર જલદી અમેરિકાના નાગરિકો પર જોવા મળશે. એક્સપર્ટ્સે ચેતવ્યા છે કે ચીજો મોંઘી થશે અને સાથે સાથે કેટલીક પસંદગીની વસ્તુઓ બજારમાંથી ગાયબ થઈ શકે છે.
અમરિકી બિઝનેસ મીડિયા રિપોર્ટ્સ મુજબ યુરોથી એશિયા સુધીની કંપનીઓ હવે અમેરિકાને કાર અને ગેમિંગ જેવા પ્રોડક્ટ્સ મોકલવાથી પાછળ હટી રહી છે. જેનું કારણ એ છે કે ટ્રમ્પે હાલમાં જ 60થી વધુ દેશોમાંથી આયાતી સામાન પર ટેરિફ ઝીંક્યો છે. જેમાં ચીન અને યુરોપીયન યુનિયન પણ સામેલ છે. લક્ઝરી ગાડીઓની વાત કરીએ તો ઓડીએ અમેરિકામાં નવી કારોની ડિલીવરી રોકી છે. હવે ડીલર પોતાની પાસે રહેલા લગભગ 37,000 કારોને વેચવા પર ફોકસ કરશે જે ફક્ત બે મહિના સુધી જ ચાલી શકશે.
ગેમિંગની દુનિયાને પણ અસર
બીજી બાજુ બ્રિટિશ કાર નિર્માતા જેગુઆર લેન્ડ રોવર અને જાપાનની નિસાન પણ અમેરિકાને ગાડીઓ મોકલવાનું બંધ કરી રહ્યા છે. નિસાને તો પોતાના બંને ઈન્ફિનિટી SUV મોડલનું વેચાણ જ રોકી દીધુ છે. એટલું જ નહીં ગેમિંગની દુનિયામાં પણ અસર જોવા મળી રહી છે. જાપાની કંપની નિનટેન્ડોએ નવી ગેમિંગ કંસોલ Switch 2 ના પ્રી ઓર્ડર બુકિંગ અનિશ્ચિત કાળ માટે ટાળ્યું છે. પહેલા આ બુકિંગ 9 એપ્રિલથી શરૂ થવાનું હતું. જો કે કંપનીએ કહ્યું છે કે પ્રોડક્ટનું લોન્ચ 5 જૂને જ થશે પરંતુ આ વિલંબ એ દર્શાવે છે કે કઈ રીતે નવા ટેક્સ ટેક કંપનીઓને પ્રભાવિત કરી રહ્યા છે.
વ્હિસ્કી માટે તરસી જશે અમેરિકનો?
રિપોર્ટ્સ મુજબ જો તમે જાપાની વ્હિસ્કી પસંદ કરતા હોવ તો જલદી અમેરિકામાં તે મળવાની મુશ્કેલ થઈ શકે છે. સનટોરી કંપનીએ કહ્યું કે જો અમેરિકી બજારમાં તેમના પ્રોડક્ટ બહુ મોંઘા થઈ જાય તો તેઓ તેને જાપાન અને એશિયાના અન્ય ભાગોમાં મોકલવાના શરૂ કરી દેશે. કંપનીના પ્રમુખે જણાવ્યું કે આ દેશોમાં માંગ મજબૂત છે અને અમેરિકાની જગ્યાએ ત્યાં ફોકસ કરવાનું વધુ ફાયદાકારક રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ આ ટેરિફ નીતિની જાહેરાત કરી હતી જેને તેમણે લિબરેશન ડે પણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે હવે અમેરિકા પોતાના લગભગ તમામ વેપારી ભાગીદારો પાસેથી ઓછામાં ઓછા 10 ટકા ટેક્સ વસૂલશે. જે દેશોથી અમેરિકાને વેપાર નુકસાન છે તેમના માટે આ દર હજુ વધુ રહેશે. આ નિર્ણયથી અમેરિકામાં ભાવ વધારો જોવા મળશે અને કદાચ કેટલાક જરૂરી સામાનોની અછતનો પણ સામનો કરવો પડી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે