ટેરિફ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર ઘટવાનું નામ લેતા નથી. આ જ કડીમાં ટ્રમ્પે શુક્રવારે જાહેર કર્યું કે અમેરિકા હવે સ્ટીલ આયાત પર ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરશે. તેમણે કહ્યું કે આ નિર્ણય અમેરિકાની સ્ટીલ ઈન્ડસ્ટ્રીને વધુ મજબૂત કરશે અને વિદેશી કંપનીઓ પર દબાણ વધશે. ટ્રમ્પે આ જાહેરાત પેનસિલ્વેનિયામાં એક રેલી દરમિયાન કરી. ટ્રમ્પે આ દરમિયાન સીધે સીધુ ચીનને ટાર્ગેટ કર્યું અને તેમણે તેનો ઉલ્લેખ પણ કર્યો.
ખરાબ સ્ટીલથી નહીં પરંતુ...
અસલમાં આ દરમિયાન ટ્રમ્પે ચીન પર નિશાન સાંધતા કહ્યું કે, અમેરિકાનું ભવિષ્ય શંઘાઈના ખરાબ ગુણવત્તાવાળા સ્ટીલથી નહીં પરંતુ પિટ્સબર્ગની તાકાત અને ગર્વથી બનશે. તેમણે કહ્યું કે તેમણે વેસ્ટર્ન પેનસિલ્વેનિયાના લોકોને વચન આપ્યું હતું કે તેઓ સ્ટીલ ઈન્ડસ્ટ્રી બંધ થવા દેશે નહીં અને તેમણે આ વચન નિભાવ્યું.
મોન વેલીમાં 3000 સ્ટીલ નોકરીઓ
રેલીમાં ટ્રમ્પે જણાવ્યું કે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે ડર હતો કે મોન વેલીમાં લગભગ 3000 સ્ટીલની નોકરીઓ ખતમ થઈ જશે અને અમેરિકાની સ્ટીલ ફેક્ટરીઓ બંધ થઈ જશે. પરંતુ તેમણે લોકોને વચન આપ્યું હતું કે તેઓ આમ થવા દેશે નહીં અને તેમણે આ વચન નીભાવ્યું.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે જાપાની કંપની નિપ્પોન અમેરિકામાં $9.2 બિલિયન એટલે કે લગભગ ₹76,000 કરોડનું રોકાણ કરશે. જેનાથી એક લાખથી વધુ અમેરિકી નોકરીઓની તકો સર્જાશે અને બચશે. તેમાંથી $2.2 બિલિયન મોન વેલીમાં અને બાકીની $7 બિલિયન ઈન્ડિયાના, મિનેસોટા, અલબામા અને અર્કાસસની ફેક્ટરીઓને આધુનિક બનાવવામાં ખર્ચ થશે.
ટેરિફ રોક આદેશ હાલ સસ્પેન્ડ
અત્રે જણાવવાનું કે આ અગાઉ ગુરુવારે અમેરિકી ફેડરલ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે ટ્રમ્પ પ્રશાસનને અસ્થાયી રાહત આપતા ટેરિફ લાગૂ રાખવાની મંજૂરી આપી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી અપીલની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી ટ્રેડ કોર્ટનો સ્થાયી રોક આદેશ હાલ પૂરતો સસ્પેન્ડ રહેશે. એટલે કે જ્યાં સુધી અપીલ પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ હાલ પૂરતો ચાલુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે