કેનેડાની સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ જીત મેળવી છે અને હવે સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. જો કે હજુ સુધી પાર્ટીને બહુમત મળ્યું નથી. જો કે ખાલિસ્તાની નેતા જગમીત સિંહની પાર્ટી એનડીપીને ચૂંટણીમાં સજ્જડ હારનો સામનો કરવો પડ્યો છે.
ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમીત સિંહ બ્રિટિશ કોલંબિયાના બર્નાબી સેન્ટ્રલ સીટથી હારી ચૂક્યા છે. આ હાર બાદ તેમણે પાર્ટીના નેતા પદથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ આઠ વર્ષથી એનડીપીના પ્રમુખ હતા. પરંતુ તેમના માટે સૌથી મોટો ફટકો એ છે કે એનડીપીનો રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો છીનવાઈ ગયો છે.
કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે પાર્ટીઓને 12 સીટ જરૂર પડતી હોય છે. પરંતુ એનડીપી અત્યાર સુધીના ટ્રેન્ડ્સમાં સાત સીટો પર આગળ છે.
હાર બાદ શું કહ્યું જગમીત સિંહે
ખાલિસ્તાની નેતા જગમીત સિંહે હાર સ્વીકારતા કહ્યું કે હું નિરાશ છું કે અમે વધુ સીટો જીતી શક્યા નહીં. પરંતુ હું મારી ગતિવિધિઓ અંગે નિરાશ નથી. હું અમારી પાર્ટી અંગે આશાવાદી છું. હું જાણું છું કે અમે હંમેશા ડરની જગ્યાએ આશાની પસંદગી કરીશું. તેમણે કહ્યું કે આપણને ફક્ત ત્યારે જ હરાવી શકાય જ્યારે આપણે એવા લોકો પર વિશ્વાસ કરીએ જે કહે છે કે આપણે સારા કેનેડાનું સપનું ક્યારેય જોઈ શકીશું નહીં. હું હંમેશા સંઘર્ષોની જગ્યાએ આશાની પસંદગી કરું છું.
અત્રે જણાવવાનું કે એનડીપીએ 343 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીએ ગત ચૂંટણીમાં 24 સીટો જીતી હતી. પાર્ટીની આ હારને ખાલિસ્તાની સમર્થકો માટે એક મોટો ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે લિબરલ પાર્ટી 167 સીટો પર આગળ છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી 145 સીટો પર આગળ છે. બ્લોક ક્યૂબેકોઈસ પાર્ટી 23 સીટો પર, એનડીપી 7 જ્યારે ગ્રીન પાર્ટી એક સીટ પર આગળ છે.
કોણ છે જગમીત સિંહ
46 વર્ષના જગમીત સિંહ કેનેડામાં ખાલિસ્તાનના સમર્થનવાળી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના આઠ વર્ષથી પ્રમુખ રહ્યા છે. તેમના રાજકારણનું ફોકસ વર્કર્સ અને મજૂરોના મુદ્દાઓની આસપાસ રહ્યું છે. તેમણે 2017માં જ્યારે તેઓ કેનેડામાં એક પ્રમુખ રાજકીય પાર્ટીનું નેતૃત્વ કરનારા અલ્પસંખ્યક અને શીખ સમુદાયથી આવનારા પહેલા નેતા બન્યા ત્યારે ઈતિહાસ રચ્યો હતો. તેઓ 2019માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2021થી એનડીપીએ ટ્રુડોની લિબરલ પાર્ટીને સરકાર જાળવી રાખવામાં મદદ કરી હતી. પરંતુ બાદમાં તેમણે ટ્રુડોની પાર્ટીને આપેલું સમર્થન પાછું ખેંચી લીધુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે