ટેરિફના મુદ્દે ભારતે અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જે દર્શાવે છે કે ભારત ચૂપચાપ અમેરિકાના ખોટા નિર્ણયો સ્વીકાર કરશે નહીં. ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ અંગે વિશ્વ વેપાર સંગઠન (WTO) પાસે પહોંચ્યુ છે. ભારતે આ મુદ્દે WTO ના સુરક્ષા કરાર હેઠળ યુએસની સાથે પરામર્શની માંગણી કરી છે.
કેટલો છે ટેરિફ
ડબલ્યુઈટીઓએ જણાવ્યું છે કે ભારત તરફથી અમેરિકાની સાથે પરામર્શની માંગણી રજૂ કરાઈ છે. વાત જાણે એમ છે કે અમેરિકાએ 8 માર્ચ 2018ના રોજ સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનો પર ક્રમશ: 25 ટકા અને 10 ટકા ટેરિફ લગાવીને સુરક્ષા ઉપાયો લાગૂ કર્યા હતા. આ વ્યવસ્થા 23 માર્ચ 2018થી લાગૂ થઈ અને આ વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓની આયાત પર પોતાના સુરક્ષા ઉપાયોમાં ફેરફાર કરી દીધો. નવા ઉપાય 12 માર્ચ 2025થી પ્રભાવી થયા છે.
ભારતે આપ્યો આ તર્ક
ભારતનું કહેવું છે કે અમેરિકા આ સુરક્ષા ઉપાયો લાગૂ કરવાની સૂચના WTO સુરક્ષા સમિતિને આપવામાં નિષ્ફળ રહ્યું છે. નિર્ણયથી પ્રભાવિત સભ્ય તરીકે ભારતે આ મુદ્દે અમેરિકા સાથે પરામર્શ બેઠક યોજવાની માંગણી કરી છે. ભારતનું કહેવું છે કે તે અમેરિકા પાસે આ અપીલ પર જલદી ઉત્તર મેળવવાની અને પરામર્શ માટે સુવિધાજનક તારીખ અને સ્થાન નક્કી કરવાની આશા રાખે છે. જો કે આ પરામર્શ WTO ની વિવાદ પતાવટની સિસ્ટમ હેઠળ આવતો નથી.
ચીન પણ પહોંચ્યું WTO
ચીને હાલમાં કહ્યું હતું કે તેણે અમેરિકાની મનમાની ટેરિફ નીતિ વિરુદ્ધ વિશ્વ વેપાર સંગઠનમાં ફરિયાદ નોંધાવી છે. ચીને આ મુદ્દે દુનિયાને એકજૂથ થવા માટે આહ્વાન કર્યું છે. હવે ભારત પણ ટેરિફને લઈને WTO પહોંચ્યું એ અમેરિકા માટે એક મોટો સંદેશો કહી શકાય. ભલે ચીન અને ભારતનો એપ્રોચ અલગ અલગ છે પરંતુ તેનાથી અમેરિકા સુધી એક સંકેત તો પહોંચી ગયો કે ભારત પણ તેના ખોટા નિર્ણયોને પડકારી શકે છે.
ગોયલનો કડક સંદેશ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું હાલમાં આવેલું નિવેદન પણ અમેરિકાને કડક સંદેશ માનવામાં આવી રહ્યું છે. ઈટાલી-ઈન્ડિયા બિઝનેસ, સાયન્સ અને ટેક્નોલોજી ફોરમમાં બોલતા ગોયલે કહ્યું કે ભારત ક્યારેય બંદૂકની અણીએ વાતચીત કરશે નહીં અને ન તો તે પોતાના લોકોના હિતમાં કોઈ પણ મુદ્દે ઉતાવળમાં કોઈ નિર્ણય લેશે. તેમણે કહ્યું કે અમે હંમેશા ભારતને સૌથી પહેલા રાખીશું અને એ સુનિશ્ચિત કરીશું કે આ ભાવનાને ધ્યાનમાં રાખીે જ કોઈ ડીલને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવે. અમે ક્યારેય બંદૂકની અણીએ વાત કરતા નથી.
અમેરિકા પર દબાણ સર્જાશે
ગોયલનું આ નિવેદન એ સ્પષ્ટ કરે છે કે ભારત કોઈ દબાણમાં આવશે નહીં અને ન તો ઉતાવળમાં કોઈ પગલું ભરશે. ભારત અમેરિકા માટે મોટો ટ્રેડ પાર્ટનર છે. એશિયામાં ચીન વિરુદ્ધ તે પહેલેથી જ ટ્રેડ વોર લડતું રહ્યું છે. આવામાં તે કોઈ પણ ભોગે ભારત સાથે ટક્કર નહીં ઈચ્છે. ભારતનું WTO માં જવું અને ગોયલનું નિવેદન કઈક હદે અમેરિકા પર દબાણનું કામ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પને પણ તેનાથી સંકેત ગયો છે કે ભારત જવાબી કાર્યવાહી કરી શકે છે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પ પહેલેથી જ ચીન સાથે ટ્રેડ વોરને લઈને પોતાની ટીકાનો સામનો કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે