Visa For Injured Indian Student In USA: અમેરિકામાં આ સમયે એક ભારતીય મહિલા જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. 14 ફેબ્રુઆરી 2025ના એક રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી આ મહિલા કોમામાં છે. તેને હાથ-પગમાં ગંભીર ઈજા થઈ છે. પુત્રીના અકસ્માતના સમાચાર આવતા તેના પિતાએ અમેરિકા જવા માટે ઈમરજન્સી ટ્રાવેલ પરમીટ માંગી છે, પરંતુ હજુ સુધી તેમની વિઝા અરજી પેન્ડિંગ છે.
વિઝા માટે વિનંતી કરી રહ્યાં છે પિતા
35 વર્ષીય નીલમ શિંદે અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. 14 ફેબ્રુઆરી 2025ના તેને એક ગાડીએ પાછળથી ટક્કર મારી દીધી હતી, જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ અને અત્યારે કોમામાં છે. નીલમની રૂમમેટ્સે મહારાષ્ટ્ર સ્થિત તેના માતા-પિતાને અકસ્માતની જાણકારી આપી હતી. ત્યારબાદ તેના પિતા અમેરિકામાં પોતાની દીકરીને મળવા માટે ઇમરજન્સી વિઝા અરજી કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ભારતીયો પર કેવી અસર કરશે ટ્રમ્પનો 'ગોલ્ડ કાર્ડ પ્લાન', કઈ રીતે મળશે નાગરિકતા, જાણો
ભારત સરકારે માંગી મદદ
વિદેશ મંત્રાલયે અમેરિકી ડિવિઝન પાસે આ મુદ્દાને ઉઠાવવા અને મદદ માટે સંપર્ક કર્યો છે. સૂત્રો પ્રમાણે આમ તો ઈમરજન્સી ટ્રાવેલ પરમીટ સરળતાથી મળી જાય છે, પરંતુ આ કેસમાં કેમ વિલંબ થઈ રહ્યો છે તે સ્પષ્ટ નથી. નીલમ શિંદેના કાકા કદમ શિંદેનું કહેવું છે કે વિઝા મળવાની સૌથી નજીકની તારીખ આગામી વર્ષની છે.
યુનિવર્સિટીએ કરી અપીલ
કેલિફોર્નિયા યુનિવર્સિટીએ 26 ફેબ્રુઆરી 2025ના એક નિવેદન જાહેર કરી કહ્યું કે નીલમ શિંદેની હાલત ગંભીર છે અને તેને ICU માં રાખવામાં આવી છે. યુનિવર્સિટીએ પણ નીલમના પરિવારને ટ્રાવેલ પરમીટ આપવાની અપીલ કરી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે શિંદેની સર્જરી અને તેની દેખરેખ માટે તેના પિતાનું હોવું ખુબ જરૂરી છે. મહત્વનું છે કે નીલમ શિંદે કેલોફોર્નિયા યુનિવર્સિટીમાં વિજ્ઞાનમાં માસ્ટર્સ કરી રહી છે. તે છેલ્લા 4 વર્ષથી અમેરિકામાં છે અને આ તેના અભ્યાસનું છેલ્લું વર્ષ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે