ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન અમેરિકાની ભૂમિકા વિશે મોટો સંકેત મળ્યો છે. વ્હાઈટ હાઉસે ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયાની અંદર એ નિર્ણય લેશે કે અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ કે નહીં.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સંદેશ શેર કરતા કહ્યું કે, એ વાતની શક્યતા છે કે ઈરાન સાથે નજીકના ભવિષ્યમાં વાતચીત થઈ શકે કે પછી ન પણ થઈ શકે. તેના આધાર પર રાષ્ટ્રપતિ આગામી બે અઠવાડિયામાં કોઈ નિર્ણય લેશે.
કૂટનીતિની સંભાવના હશે તો જરૂર અપનાવશે
લેવિટે વધુમાં કહ્યું કે ટ્રમ્પ હંમેશા કૂટનીતિક સમાધાનના પક્ષમાં રહે છે. તેઓ શાંતિના હિમાયતી છે. તેઓ 'શક્તિ'ના માધ્યમથી 'શાંતિ'ના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે. જો કૂટનીતિક સંભાવના હશે તો રાષ્ટ્રપતિ તેને જરૂર અપનાવશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે પરંતુ જો તાકાત દેખાડવાની જરૂર પડી તો તેઓ પીછેહટ કરશે નહીં.
અત્રે જણાવવાનું કે આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવાની યોજનાનું સમર્થન કરી ચૂક્યા છે. પંરતુ તેમણે હજુ અંતિમ આદેશ આપ્યો નથી. તેઓ જોવા ઈચ્છે છે કે શું ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ રોકે છે કે નહીં.
આ અગાઉ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે હું હુમલો કરું પણ ખરો અને ન પણ કરું. આગામી અઠવાડિયું મહત્વનું હશે. કદાચ તેનાથી પણ ઓછા સમયમાં નિર્ણય થઈ જશે. અત્રે જણાવવાનું કે ગુરુવારે ઈઝરાયેલે ઈરાનના પરમાણુ સંબંધિત ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા જેના જવાબમાં ઈરાને મિસાઈલ અને ડ્રોન છોડ્યા. જેમાંથી એક દક્ષિણ ઈઝરાયેલની બીયરશેવા સ્થિત સોરોકા મેડિકલ સેન્ટર પર જઈને પડી.
આ હુમલા બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ આંખ ફેરવીને કહી દીધુ કે તેહરાનના તાનાશાહોએ તેની પૂરેપૂરી કિંમત ચૂકવવી પડશે. હવે બધાની નજર અમેરિકાના આગામી પગલાં પર છે કારણ કે ટ્રમ્પનો નિર્ણય આ સમગ્ર સંઘર્ષની દિશા બદલી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે