મિસ અર્થ બાંગ્લાદેશ 2020નો ખિતાબ જીતી ચૂકેલી મોડલ અને અભિનેત્રી મેઘના આલમ મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. બાંગ્લાદેશમાં 9 એપ્રિલની રાતે અચાનક તેના ઘરે ઢાકા પોલીસ આવી ગઈ અને દરોડા બાદ તેની ધરપકડ કરીને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ. આ દરમિયાન મેઘના કઈ સમજી ન શકી કે તેની સાથે શું થઈ રહ્યું છે.
મેઘના પોતાના બિન્દાસ અને હાજર જવાબી સ્વભાવ તથા નિવેદનબાજીને લઈને સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય રહે છે. અભિનેત્રી પર કથિત રીતે સાઉદી અરબ અને બાંગ્લાદેશ વચ્ચે કૂટનીતિક સંબંધોને 'જોખમ'માં મૂકવાનો આરોપ લાગ્યો છે. વિશેષ અધિકાર અધિનિયમ (સ્પેશિયલ પાવર એક્ટ), 1974 હેઠળ ધરપકડ થયેલી મેઘના અંગે પોલીસે દાવો કર્યો છે કે અભિનેત્રીએ એક સાઉદી રાજનયિક વિરુદ્ધ સોશિયલ મીડિયા પર 'ખોટી જાણકારી' ફેલાવી.
અભિનેત્રીએ લગાવ્યો હતો આ આરોપ
એટલું જ નહીં મેઘના પર આરોપ છે કે તેની પોસ્ટનો હેતુ બંને દેશો વચ્ચે સંબંધોને નુકસાન પહોંચાડવાનો હતો. ધરપકડ પહેલા મેઘનાએ ફેસબુક લાઈવમાં દાવો કર્યો હતો કે કેટલાક લોકો પોતાને પોલીસકર્મી ગણાવીને તેના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા છે.
12 મિનિટના આ વીડિયોમાં મેઘના આ વિવાદિત મામલે અધિકારીઓ જોડે સહયોગ કરવાની વાત કરતી સંભળાઈ, પરંતુ બાદમાં આ ક્લિપને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવાઈ.
લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો?
મેઘનાના પિતા બદરૂલ આલમનો દાવો છે કે તેમની પુત્રીને એક સાઉદી રાજનયિકે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ તેણે ફગાવી દીધો. કારણ કે તે પહેલેથી જ પરિણીત હતો. ત્યારબાદ રાજનયિકે બાંગ્લાદેશી અધિકારીઓની મદદથી મેઘનાને ચૂપ કરાવવાની કોશિશ કરી. આ આરોપના પગલે હવે મામલાએ તૂલ પકડ્યું છે.
મેઘનાની ધરપકડ
મેઘનાની ધરપકડે સમગ્ર બાંગ્લાદેશમાં વિવાદ ઊભો કર્યો છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલે તેને ખોટું ગણાવતા કહ્યું કે કાં તો તેના પર માન્ય આરોપ લાગે અથવા તો તેને છોડી મૂકવામાં આવે. બીજી બાજુ કાનૂનના વિશેષજ્ઞોએ પણ આ વિશેષાધિકાર કાયદાનો દુરઉપયોગ ગણાવ્યો છે.
સરકાર પર ભડકી હાઈકોર્ટ
હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે મેઘનાની ધરપકડ ગેરકાયદેસર કેમ ન ગણવામાં આવે. હાલ તેને કાશીમપુર જેલમાં 30 દિવસની કસ્ટડીમાં રાખવામાં આવી છે. આ મામલો હવે કાનૂન અને અભિવ્યક્તિની આઝાદી પર મોટો સવાલ બની ચૂક્યો છે.
સાઉદી અરબ અને બાંગ્લાદેશના સંબંધ
સાઉદી અરબ અને બાંગ્લાદેશના સંબંધ પહેલેથી ખુબ જ નીકટના ગણવામાં આવે છે. કારણ કે લાખો બાંગ્લાદેશીઓ ત્યાં કામ કરે છે. આવામાં આ વિવાદે બંને દેશોના સંબંધોમાં તણાવની સ્થિતિ પેદા કરી છે. હવે બધાની નજર સરકારના આગામી પગલાં પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે