જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોને નિર્દયતાથી રહેંસી નાખવામાં આવ્યા. આ હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણી સામે આવી કારણ કે આતંકીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા સામે આવ્યા. હવે આ આતંકી હુમલાની એક મુસ્લિમ દેશે આકરી ટીકા કરી. આ સાથે જ ત્યાંના રાષ્ટ્રપતિએ પાકિસ્તાને અરિસામાં સચ્ચાઈ પણ દેખાડી છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ ઈન્ડોનેશિયામાં ભારીય રાજદૂત સાથે મુલાકાત કર્યા બાદ કાશ્મીર આતંકી હુમલા પર ઊંડો શોક વ્યક્ત કર્યો. આ દરમિયાન પ્રબોવોએ પાકિસ્તાનનું નામ લીધા વગર તેમને કડક શબ્દોમાં શીખામણ આપી. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈન્ડોનેશિયામાં જે ઈસ્લામનું પાલન કરાય છે તે આવા આતંકી હુમલાનું શિક્ષણ આપતું નથી. તેમણે કહ્યું કે અમે આ આતંકી હુમલાને પહોંચી વળવામાં ભારતની સાથે છીએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ પણ પ્રકારના આતંકવાદથી કોઈ પરિણામ નીકળતું નથી. આથી હથિયારો છોડીને જ વાત કરવી જોઈએ. ઈન્ડોનેશિયાના ટોપ લીડરે પોતાના દેશમાં તૈનાત ભારતીયરાજદૂત સંદીપ ચક્રવર્તીને આ વાત કરી. રાષ્ટ્રપતિએ પહેલગામ આતંકી હુમલા પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી.
ઈન્ડોનેશિયાથી આવેલી આ ટિપ્પણી અતિ મહત્વની છે કારણ કે ત્યાં દુનિયાના સૌથી વધુ મુસ્લિમો રહે છે. ઈન્ડોનેશિયાના લોકો હજુ પણ પોતાની સંસ્કૃતિને ભારત સાથે જોડે છે. ચક્રવર્તીએ જણાવ્યું કે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ તેમને બોલાવીને વાત કરી અને પહેલગામના આતંકી હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી અને ભાર સાથે આ સમયે પડખે રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. અત્રે જણાવવાનું કે ઈસ્લામિક સહયોગ સંગઠને તણાવ વચ્ચે પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. આવામાં ઈન્ડોનેશિયાની પ્રતિક્રિયા ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે.
જમ્મુ કાશ્મીરના જાણીતા પર્યટન સ્થળ પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આ 26 પર્યટકો માર્યા ગયા હતા. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. ભારતે પાકિસ્તાનના અનેક રાજનયિકોને તેમના દેશ મોકલી દીધા છે. આ ઉપરાંત સિંધ જળ સંધિ પણ સ્થગિત કરી છે. વાઘા અને અટારી બોર્ડર બંધ કરાઈ છે. આ તણાવની સ્થિતિમાં અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોના વલણ પર દુનિયાની નજર છે. મુસ્લિમ દેશોના સંગઠનનું પણ નિવેદન આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે