પાકિસ્તાન હાલ થર થર કાંપી રહ્યું છે. તેને ભારતની કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. આથી પાકિસ્તાનના રક્ષામંત્રી વિદિશી મીડિયામાં રોકકળ મચાવતા અને પોકળ ધમકીઓ આપતા જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ એક બાદ એક વિદેશી ન્યૂઝ ચેનલોને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે અને દુનિયાને ભારત-પાકિસ્તાન યુદ્ધથી થનારા નુકસાન અંગે ડરાવી રહ્યા છે. તેમણે સ્કાય ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતના એક્શનથી પાકિસ્તાન 'ઓલ આઉટ વોર' શરૂ કરી શકે છે અને તેનાથી દુનિયા પર ગંભીર અસર પડશે. આ ઉપરાંત પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહ્યું કે 'પાકિસ્તાને અમેરિકા અને બ્રિટન જેવા દેશો માટે આતંકવાદનો સાથ આપ્યો છે.'
ખ્વાજા આસિફે સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે "ભારત અને પાકિસ્તાન બે પરમાણુ સશસ્ત્ર દેશ છે, આથી આંતરરાષ્ટ્રીય સમુદાયે 'ચિંતિત' થવું જોઈએ." આ ઉપરાંત તેમણે નેગોશિએશન પર પાછા ફરવાની અપીલ કરી છે. ખ્વાજાનું આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય ને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવમાં સામેલ કરવા માંગે છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા મેળવવાની કોશિશ કરી રહ્યું છે અને આથી વિદેશી મીડિયા દ્વારા યુદ્ધથી દુનિયાને થનારા નુકસાન અંગે ચેતવી રહ્યું છે.
પાકિસ્તાનની પોકળ ધમકી
ખ્વાજા આસિફે સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતના આરોપોને ફગાવતા દાવો કર્યો કે 'આ ઘટના તણાવ વધારવા માટે એક 'ફોલ્સ ફ્લેગ' ઓપરેશન હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પાકિસ્તાનની સેના કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે અને ચેતવણી આપી કે ભારત દ્વારા કરવામાં આવેલી કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. પાકિસ્તાની રક્ષામંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે જો મોટા પાયે હુમલો થયો તો સ્વાભાવિક રીતે મોટા પાયે યુદ્ધ થશે. જો હાલાત કાબૂ બહાર ગયા તો પરિણામ દુખદ આવી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનના રક્ષામંત્રી વારંવાર સ્કાય ન્યૂઝના સવાલો પર ખચકાઈ રહ્યા હતા અને એવું લાગતું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાયને કોઈ પણ સંજોગોમાં આ તણાવમાં સામેલ કરા માંગે છે.
સ્કાય ન્યૂઝના હોસ્ટે જ્યારે તેમને પૂછ્યું કે પાકિસ્તાન પર દાયકાઓથી આતંકવાદ અંગેના આરોપ લાગતા રહ્યા છે, તો ખ્વાજા આસિફે કહ્યું કે, "અમેરિકા અને બ્રિટન માટે પાકિસ્તાને આતંકવાદનું સમર્થન કર્યું અને પ્રોત્સાહન આપ્યું તથા અમેરિકા અને બ્રિટને તે આતંકવાદનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં કર્યો." આ ઉપરાંત પાકિસ્તાનના રક્ષામંત્રી અને વિદેશી મીડિયા નેટવર્ક પર ઈન્ટરવ્યુ આપી રહ્યા છે અને પ્રોપેગેન્ડા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે કે પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો અસલમાં 'ભારતે જ કરાવ્યો' છે. આ ઉપરાંત પાકિસ્તાની મીડિયા પણ સતત 26 પર્યટકોની હત્યાને ફોલ્સ ફ્લેગ ઓપરેશન ગણાવીને નરેટિવ બદલવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાન, ભારતને મળનારા આંતરરાષ્ટ્રીય સમર્થનથી પરેશાન છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને વ્હાઈટ હાઉસ અને હવે અમેરિકાના ડિફેન્સ અવર સચિવે પણ કોઈ પણ સંજોગોમાં ભારતને સમર્થન આપવાની વાત કરી છે. આથી પાકિસ્તાનમાં ઘણો ડર વધી ગયો છે.
અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને ઈઝરાયેલ જેવા દેશોએ પણ પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું સમર્થન કર્યું છે. ચીને પણ હુમલાની ટીકા કરી છે અને જે અરબ દેશ પાસેથી પાકિસ્તાનને સૌથી વધુ આશા હતી તેણે પણ પર્યટકો પર હુમલાને આતંકવાદી ઘટના જણાવી છે. આ પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. આંતરરાષ્ટ્રીય ટીકાઓથી પાકિસ્તાન ગભરાઈ રહ્યું છે અને તેને ડર છે કે તેને ફરીથી FATA માં બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનને એ વાતનો પણ ડર છે કે હુમલાની સ્થિતિમાં પણ ભારત પાસે જ આંતરરાષ્ટ્રીય સમર્થન રહેશે અને આવામાં તેમના માટે સ્થિતિ ઘણી મુશ્કેલ બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે