Home> World
Advertisement
Prev
Next

Quad Summit 2022: હિન્દી ક્યાંથી શીખી? જાપાની બાળકની વાતો સાંભળીને PM મોદી ગદગદ થયા, 5 પોઈન્ટમાં જાણો પ્રવાસનું મહત્વ

પીએમ મોદી ટોક્યો પહોંચી ગયા છે. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. લોકોએ 'ભારત મા કા શેર' જેવા નારા પણ લગાવ્યા. 

Quad Summit 2022: હિન્દી ક્યાંથી શીખી? જાપાની બાળકની વાતો સાંભળીને PM મોદી ગદગદ થયા, 5 પોઈન્ટમાં જાણો પ્રવાસનું મહત્વ

Quad Summit 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્વાડ સમિટ માટે જાપાનના ટોક્યો શહેર પહોંચી ગયા છે. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. અનેક બાળકો પણ પીએમ મોદીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પીએમ મોદીએ સૌથી પહેલા બાળકો સાથે મુલાકાત કરી. તેમની સાથે વાતચીત કરી. બાળકો પણ પીએમ મોદી સાથે ખુબ ઉત્સાહપૂર્વક વાતચીત કરતા જોવા મળ્યા. પીએમ મોદીએ બધાનો જુસ્સો પણ વધાર્યો. 

fallbacks

'ભારત મા કા શેર'ના નારા લાગ્યા
જે તસવીરો સામે આવી રહી છે તેમાં જોઈ શકાય છે કે ટોક્યો પહોંચતા જ ભારતીય સમુદાયના લોકો દ્વારા મોદી મોદી અને ભારત મા કા શેરના નારા  લાગ્યા હતા. જાપાન અને ભારતીય સમુદાયના બાળકો પણ પીએમ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા. તે સમયે પીએમ મોદીની નજર એક જાપાની બાળક ઉપર પડી જે તેમનો ઓટોગ્રાફ લેવા માંગતો હતો. પીએમ મોદીએ તે બાળક સાથે વાતચીત કરી અને તેમણે એમ પણ કહ્યું તેની હિન્દી ઘણી સારી છે, તેણે ક્યાંથી શીખી. આ સિવાય પીએમ મોદી અન્ય બાળકો સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ટોક્યોમાં લેન્ડ થયો છું. અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાનો છું. ક્વાડ સમિટમાં ભાગ લેવાનો છે. ત્યાં રહેતા ભારતીયો સાથે પણ વાતચીત કરવાની છે. સામાન્ય રીતે પીએમ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોને ચોક્કસપણે મળે છે. 

પીએમ મોદી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાન પહોંચ્યા છે. અહીં તેઓ ક્વાડ લીડર્સ સમિટમાં  ભાગ લેશે. ટોક્યો એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસ અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે હું જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાના આમંત્રણ પર 23-24 મે 2022ના રોજ જાપાનના ટોક્યોના પ્રવાસે જઈશ. માર્ચ 2022ના રોજ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે પ્રધાનમંત્રી કિશિદાનું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ટોક્યોના મારા પ્રવાસ દરમિયાન ભારત-જાપાન વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી અમારો સંવાદ આગળ ચાલુ રાખવા માટે ઉત્સુક છું. અત્રે જણાવવાનું કે પીએમ મોદી 40 કલાકમાં 23 બેઠકોમાં ભાગ લેશે. 

પીએમ મોદીના જાપાન પ્રવાસનું મહત્વ આ 5 પોઈન્ટમાં સમજો
પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે છે. આજે તેઓ ટોક્યો પહોંચ્યા અને અહીં ક્વાડના સભ્ય દેશોના નેતાઓને મળશે. પીએમ મોદીનો આ પ્રવાસ અનેક રીતે ખુબ મહત્વનો છે. કારણ કે બેઠકમાં કોવિડ, જળવાયુ પરિવર્તન સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા સહિત રશિયા અને યુક્રેન યુદ્ધ ઉપર પણ ચર્ચા થશે. કવાડ સમિટમાં પહેલીવાર રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને અમરેકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આમને સામને થશે. પીએમ મોદી ક્વાડના સભ્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય  વાર્તાલાપ પણ કરશે. પીએમ મોદીનો આ પ્રવાસ આ 5 કારણસર ખુબ ખાસ છે. આવો જાણીએ. 

1. જો બાઈડેન સાથે મુલાકાત
પ્રવાસ દરમિયાન પીએ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આવું પહેલીવાર  બનશે કે બંને નેતા આમને સામને હશે. ભારત અત્યાર સુધી આ યુદ્ધમાં તટસ્થ ભૂમિકામાં જોવા મળ્યું છે. યુએન હોય કે યુએનએસસી કોઈ પણ મંચ પર ભારત પર દબાણ સર્જવાની તમામ કોશિશ નિષ્ફળ ગયેલી જોવા મળી. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને હાલમાં જ કહ્યું હતું કે તમામ દેશોએ યુક્રેન સ્થિતિ અને તસવીરને સમજવી પડશે. આવામાં એકવાર ફરીથી અમેરિકા ભારત પર દબાણ સર્જવાની ભરપૂર કોશિશ કરશે. હવે જોવાનું એ રહેશે કે ભારત શું વલણ અપનાવે છે. 

2. ડ્રેગનની ચાલબાજી
રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત ક્વાડ સમિટમાં ચીનની ચાલબાજીનો મુદ્દો પણ ઉઠશે. જો કે આ મુદ્દે તો તમામ દેશો લગભગ એકમત જ રહેશે. દક્ષિણ ચીન સાગર અને હિન્દ પ્રશાંત વિસ્તારમાં ચીનની હરકતો પર લગામ લગાવવાની યોજનાઓ ઉપર પણ ચર્ચા થઈ શકે છે. બેઠક દરમિયાન ચારેય દેશ ચીનની આક્રમકતા રોકવાની પણ રણનીતિ પર વિચાર કરશે. 

3. જાપાનના બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ
પીએમ મોદી જાપાનના બિઝનેસ ટાઈકૂન્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરશે. બિઝનેસ લીડર્સની સાથે સાથે 35 બિઝનેસ સીઈઓ સાથે પણ વન ટુ વન ફોર્મેટમાં વાતચીત કરશે. 

4. જાપાન અને ભારત વચ્ચે આ મુદ્દા પર થશે ચર્ચા
ટોક્યો પ્રવાસ દરમિયાન ભારત અને જાપાન વચ્ચે સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશીપ ઉપર પણ વાત થશે. સમિટ અગાઉ પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ વખતે તમામ નેતા ઈન્ડો પેસિફિકમાં વિકાસ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર જ ફોકસ કરશે. 

5 ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વાતચીત
ક્વાડ સમિટમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ સામેલ થશે. આ દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા  થશે. પીએ મોદીએ પ્રવાસ અગાઉ કહ્યું હતું કે તેઓ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠકની રાહ જોઈ રહ્યા છે. જેમાં વ્યાપક રણનીતિક ભાગીદારી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. 

આખરે શું છે આ ક્વાડ? કેમ ચીન અકળાય છે
ક્વાડ એટલે ક્વોડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ (QUAD) એ ચાર દેશોનો સમૂહ છે. જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ક્વાડ બનાવવાનો આઈડિયા જાપાનના તત્કાલિન પ્રધાનમંત્રી શિંજો આબેએ 2007માં આપ્યો હતો અને તેની રચના થઈ. જો કે ચીનના વિરોધના કારણે ઓસ્ટ્રેલિયા 2010માં અલગ થયું હતું. પરંતુ પાછું જોડાઈ ગયું. વર્ષ 2017માં આ ગઠબંધનને પુર્નજીવિત કરાયું અને પહેલી અધિકૃત વાતચીત ફિલિપાઈન્સમાં થઈ. ક્વાડનો મુખ્ય હેતુ ઈન્ડો પેસિફિકના સમુદ્રી રસ્તાઓ પર કોઈ પણ દશ (ખાસ કરીને ચીન)ના દબદબાને ખતમ કરવાનો છે. ચીન આ સંગઠનથી ખુબ અકળાય છે. 
 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More