Home> World
Advertisement
Prev
Next

રશિયા મુદ્દે અન્ય દેશોને ધમકાવતા અમેરિકા વિશે થયો મોટો ખુલાસો, દુનિયામાં હાહાકાર

રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકા રશિયા મુદ્દે અન્ય દેશોને ધમકાવતું રહ્યું છે. પરંતુ હવે એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ ખુલાસાથી જાણવા મળ્યું કે રશિયન કંપનીઓને ખતરનાક જણાવેલી હોવા છતાં અમેરિકી કંપનીઓએ કમ્પ્યુટર હાર્ડવેરનું વેચાણ ચાલુ રાખ્યું હતું. એ પણ જાણવા મળ્યું છે કે રશિયાના અનેક હથિયારો અમેરિકાની ઉચ્ચ ટેક્નોલોજીવાળા ઉપકરણો પર કેટલા નિર્ભર છે. 

રશિયા મુદ્દે અન્ય દેશોને ધમકાવતા અમેરિકા વિશે થયો મોટો ખુલાસો, દુનિયામાં હાહાકાર

વોશિંગ્ટન: અમેરિકા અને રશિયામાં દુશ્મની જગજાહેર છે. બંને દેશ કોલ્ડ વોર પહેલાથી એક બીજાના કટ્ટર દુશ્મન છે. આમ છતાં બંને દેશોની અનેક કંપનીઓ પરસ્પર સિક્રેટ ડીલ હેઠળ કામ કરી રહી છે. એક ખુલાસાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ખુલાસા મુજબ એક અમેરિકી ટેક્નોલોજી કંપનીએ રશિયાની એસ-400 મિસાઈલ સિસ્ટમ બનાવતી સરકારી કંપનીની સાથે સિક્રેટ ડીલ કરી હતી. આ અમેરિકન કંપની 2014માં ક્રિમિયા પર રશિયાના કબજા બાદ લાગેલા પ્રતિબંધોને બાયપાસ કરીને નેટવર્કિંગ ટેક્નોલોજીમાં ઉપયોગ થતા ઉપકરણો આપતી રહી. આ એજ એસ-400 સિસ્ટમ છે, જેને ખરીદવા પર અમેરિકાએ તુર્કીને પોતાના એફ-35 પ્રોગ્રામમાંથી બહાર કરીને અનેક સૈન્ય પ્રતિબંધ લગાવ્યા હતા. ભારતને પણ રશિયા પાસેથી એસ-400 સિસ્ટમની ખરીદી પર અનેક વર્ષો સુધી અમેરિકી પ્રશાસને ધમકી આપ્યા કરી. આવામાં એસ-400 બનાવતી કંપનીમાં અમેરિકામાં બનેલા ઉપકરણોના ઉપયોગે અનેક સવાલ ઊભા કર્યા છે. 

fallbacks

કંપનીએ સ્વીકારી ભૂલ
રોયટર્સના આ ખુલાસા મુજબ અમેરિકાએ 2014માં ક્રિમિયા પર કબજા બાદ એસ-400 મિસાઈલ સિસ્ટમ બનાવતી રશિયન કંપની એમએમઝેડ અવાંગાર્ડને પ્રતિબંધિત કરી હતી. આ કંપનીના અમેરિકામાં વેપાર કરવા કે કોઈ પણ અમેરિકી કંપનીના તેની સાથે કામ કરવા પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવી હતી. પરંતુ પ્રતિબંધો છતાં જાહેર રીતે કારોબાર કરનારી અમેરિકી ટેક્નોલોજી કંપી એક્સટ્રીમ નેટવર્ક્સે રશિયન કંપની એમએમઝેડ અવાંગાર્ડને ઓફિસ આઈટી સિસ્ટમ માટે કોમ્પ્યુટર નેટવર્કિંગ ઉપકરણો વેચ્યા હતા. ખુલાસા બાદ એક્સટ્રીમે કહ્યું કે બની શકે કે કોઈ સરોગેટ ખરીદાર દ્વારા રશિયન કંપની એમએમઝેડ અવાંગાર્ડને ઉપકરણો વેચવામાં આવ્યા હોય. એક્સટ્રીમે કહ્યું કે ઉપકરણ તેની જાણકારી બહાર વેચવામાં આવ્યા હતા. કંપનીએ સ્વીકાર્યું કે તે એક વચેટિયા દ્વારા પોતાના ઉપકરણોને એક ફ્રન્ટ કંપનીના માધ્યમથી ખોટા લોકોને આપી ચૂક્યા છે. કંપનીએ એમ પણ કહ્યું કે તેઓ અમેરિકી અધિકારીઓને આ સંભવિત વેચાણ સંબંધિત રિપોર્ટ આપી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે એવા આરોપ છે કે 24 ફેબ્રુઆરી બાદ રશિયાએ એમએમઝેડ અવાંગાર્ડ કંપની દ્વારા બનાવવામાં આવેલી મિસાઈલો દ્વારા યુક્રેનમાં અનેક હુમલા કર્યા. યુક્રેની અધિકારીઓએ દાવો કર્યો કે ગત મહિને જાપોરોજ્જિયામાં એમએમઝેડ અવાંગાર્ડની મિસાઈલોએ એક કાફલા પર હુમલો કરીને ઓછામાં ઓછા 30 નાગરિકોને મારી નાખ્યા હ તા. જો કે રશિયા અને એમએમઝેડ અવાંગાર્ડે અમેરિકી કંપની સાથે થયેલી આ ડીલ અંગે હજુ કોઈ નિવેદન આપ્યું નથી. રોયટર્સ દ્વારા સમીક્ષા કરાયેલા વ્યવસાયિક રેકોર્ડ અને મામલાથી પરિચિત લોકોના જણાવ્યાં મુજબ 2017 અને 2021 વચ્ચે એમએમઝેડ અવાંગાર્ડે પોતાની આઈટી સિસ્ટમ માટે અડધા મિલિયન ડોલરથી વધુ મૂલ્યના અનેક હાઈ ટેક્નોલોજીવાળા ઉપકરણોની ખરીદી કરી હતી. જેમાં હાઈ સ્પીડ સ્વીચ, કોર્પોરેટ આઈટી નેટવર્કનું એક મહત્વપૂર્ણ બિલ્ડિંગ બ્લોગ અને સોફ્ટવેર સામેલ હતા. 

આ વીડિયો પણ જુઓ...

કેવી રીતે થયો ખુલાસો
વાત જાણે એમ છે કે યુક્રેન પર રશિયાના આક્રમણના છ સપ્તાહ બાદ એક્સટ્રીમ નેટવર્ક્સના એક  કર્મચારીએ આંતરિક ફરિયાદ નોંધાવી કે કંપની રશિયામાં અનેક સૈન્ય કંપનીઓને ઉપકરણો વેચી રહી છે. આરોપમાં કહેવાયું હતું કે અમેરિકી કંપની એક્સટ્રીમ નેટવર્ક્સના મોટાભાગના ઉપકરણોનો ઉપયોગ રશિયાના જહાજોના કમ્યુનિકેશન સિસ્ટમમાં કરવામાં આવે છે. ત્યારબાદ તપાસ શરૂ થઈ અને આ સમગ્ર મામલાનો ખુલાસો થયો. આ ખુલાસાથી જાણવા મળ્યું કે રશિયન કંપનીઓને ખતરનાક જણાવેલી હોવા છતાં અમેરિકી કંપનીઓએ કમ્પ્યુટર હાર્ડવેરનું વેચાણ ચાલુ રાખ્યું હતું. એ પણ જાણવા મળ્યું છે કે રશિયાના અનેક હથિયારો અમેરિકાની ઉચ્ચ ટેક્નોલોજીવાળા ઉપકરણો પર કેટલા નિર્ભર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More