Awami League Banned: ભારતના ઓપરેશન સિંદૂરથી ડરી ગયેલા પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરીને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, ત્યારે પડોશી દેશ બાંગ્લાદેશમાં એક મોટો ઘટનાક્રમ થયો છે. અહીં મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ શેખ હસીનાની પાર્ટી અવામી લીગની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા મહિના પહેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ આવામી લીગના વડા અને ભૂતપૂર્વ વડાપ્રધાન હસીનાને રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી હતી. ત્યારથી તે ભારતમાં રહે છે. હવે કટ્ટરપંથીઓના દબાણ હેઠળ બાંગ્લાદેશ સરકારે અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાનો મોટો આદેશ આપ્યો.
બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી BSS એ અહેવાલ આપ્યો છે કે સલાહકાર પરિષદે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં અવામી લીગ અને તેના નેતાઓની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ આદેશ આજથી અમલમાં આવી શકે છે. ટ્રિબ્યુનલ આવામી લીગ સરકારના સમયથી તમામ આરોપોની તપાસ કરશે. અધિકારીઓનું કહેવું છે કે સરકારે જુલાઈ 2024 માં થયેલા બળવાખોર વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો અને સાક્ષીઓની સુરક્ષા અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
આગળ પણ મોટો નિર્ણય સંભવ
સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ નિર્ણય દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વના રક્ષણના હિતમાં લેવામાં આવ્યો છે.' આ સાથે મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના સલાહકારોની પરિષદે આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલને સંચાલિત કરતા હાલના કાયદામાં પણ સુધારો કર્યો છે. આ અંતર્ગત ટ્રિબ્યુનલને હવે ફક્ત વ્યક્તિઓ સામે જ નહીં, પરંતુ સમગ્ર રાજકીય પક્ષો, તેમના મોરચા સંગઠનો અને સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરવાની પરવાનગી મળી ગઈ છે.
મુક્તિ સંગ્રામમાં મોટો રોલ
આવામી લીગની સ્થાપના 1949માં થઈ હતી. તે બાંગ્લાદેશના બે મુખ્ય પક્ષોમાંથી એક છે, જે લાંબા સમયથી સરકારમાં છે. આ પાર્ટીએ પૂર્વ પાકિસ્તાન દરમિયાન બંગાળીઓ માટે સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું હતું અને 1971ના મુક્તિ યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, હવે એવું લાગે છે કે બાંગ્લાદેશમાં ખાલેદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)નો પ્રભાવ વધવાનો છે. તે મેડિકલ ટ્રીટમેન્ટ પૂર્ણ કર્યા પચી લંડનથી ઢાકા પરત ફરી છે. આ સાથે તેમની પાર્ટીએ યુનુસ સરકાર પર વહેલી ચૂંટણીઓ કરાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે