જૂનાગઢઃ વાત એક યુવાનની કરીએ, જેણે મલ્ટીનેશનલ કંપનીમાં લાખોના પગારની નોકરી છોડી અને ખેતી અપનાવી, ખેતીમાં પહેલા તો અનેક ઉતાર ચડાવનો સામનો કર્યો પણ આજે સફળતા તેના દરવાજે આવીને ઉભી છે, શિક્ષિત આ યુવાને ખેતીમાં એવું કંઈ કર્યું કે લાખોનો નફો અને દેશ વિદેશમાં નામના મળી છે...કોણ છે આ શિક્ષિત યુવાન?, શું કરી રહ્યો છે તે ખેતી?...જુઓ આ અહેવાલમાં..
ખેતી એટલે માત્ર પરંપરાગત ખેતી નહીં, પરંતુ નવીનતા અને નવા વિચારોનો સમન્વય. વાત છે, જૂનાગઢના બંધડા ગામના એક એવા યુવા ખેડૂતની, જેણે મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડીને ખેતીમાં સફળતાની નવી ગાથા લખી છે.
જતીન સોલંકી, એક શિક્ષિત યુવાન, જેમણે એમ.એસ.સી. અને બી.એડની ડિગ્રી હાંસલ કરી, ત્રણ વર્ષ સુધી મલ્ટીનેશનલ કંપનીમાં સારો પગાર લેતા હતા. પરંતુ 2022માં ખેતી પ્રત્યેના લગાવે તેમને મધુવંતી ફાર્મ સ્થાપવા પ્રેર્યા. આજે તેઓ મશરૂમની ખેતી કરીને દર વર્ષે 10 લાખથી વધુનો નફો કમાય છે.
કોણ છે જતીન સોલંકી?
એક શિક્ષિત યુવાન, MSC અને B.EDની ડિગ્રી હાંસલ કરી
ત્રણ વર્ષ સુધી મલ્ટીનેશનલ કંપનીમાં સારો પગાર લેતા હતા
2022માં ખેતી પ્રત્યેના લગાવે તેમને મધુવંતી ફાર્મ સ્થાપવા પ્રેર્યા
આ પણ વાંચોઃ ખેડૂતો વાવેતર શરૂ કરે તે પહેલા ખરીફ પાકોનો ટેકાનો ભાવ જાહેર, 69થી 596 રૂપિયાનો વધારો
મશરૂમની ખેતી એકદમ સરળ નથી. તેમાં યોગ્ય તાપમાન, ભેજ અને સ્વચ્છતા જાળવવી અગત્યની છે. જતીન સોલંકીએ આ કળા બંગાળ અને ઓડિશાની મુલાકાતો, ICARની ત્રણ મહિનાની તાલીમ અને સુરતના KVKના માર્ગદર્શનથી શીખી. તેમણે સરકારની અનેક યોજનાઓનો પણ સારી રીતે લાભ લીધો છે.
જતીનના મશરૂમ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ ઇંગ્લેન્ડ અને કેનેડા સુધી નિકાસ થાય છે. તેમના ફાર્મમાં 5400 બેગમાંથી દરેક બેગમાંથી સરેરાશ સાડા ત્રણ કિલો મશરૂમની ઉપજ થાય છે. આ મશરૂમમાં 90 ટકા પ્રોટીન, વિટામિન D3, B12 અને K જેવા પોષક તત્વો ભરપૂર હોય છે, જે આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે.
જતીન સોલંકીની આ સફળતા એ દરેક યુવાન માટે પ્રેરણા છે કે ખેતીમાં નવીનતા અને મહેનતથી મોટી સફળતા હાંસલ કરી શકાય છે. તેમની આ ગાથા દર્શાવે છે કે, જો ઈરાદો પાક્કો હોય તો ખેતી પણ નફો અને નામની સાથે વૈશ્વિક ઓળખ અપાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે