Home> Agriculture
Advertisement
Prev
Next

ખરા અર્થમાં પ્રગતિશીલ ખેડૂત બન્યા આ પાટીદાર, ગુજરાતની ગરમીમાં સફરજનની કરી ખેતી

Apple Farming In Gujarat : વડોદરાની ગરમીમાં સફરજનની સફળ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ધર્મેશ પટેલ. 100 કિલોથી વધુ સફરજનનું ઉત્પાદન આ વર્ષે મેળવવાની આશા..
 

ખરા અર્થમાં પ્રગતિશીલ ખેડૂત બન્યા આ પાટીદાર, ગુજરાતની ગરમીમાં સફરજનની કરી ખેતી

Agriculture News : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામના પ્રગતિશીલ ખેડૂત ધર્મેશ કનુભાઈ પટેલ એ અદ્ભુત સિદ્ધિ મેળવી છે. તેમણે ગરમ વાતાવરણ ધરાવતા વડોદરામાં સફરજનનો બગીચો સફળતાપૂર્વક તૈયાર કરી અને માત્ર બે વર્ષમાં સફરજનનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ સિદ્ધિ તેમના પ્રાકૃતિક ખેતીના પ્રયોગો અને હરિમન 99 જાતના સફરજનની ખેતીની નવીનતાને આભારી છે.

fallbacks

પ્રાકૃતિક ખેતી અને પંચસ્તરીય પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના અનુભવી ખેડૂત ધર્મેશકુમાર પટેલે અઢી વીઘાના ચંદન ફાર્મની જમીનમાં 60થી વધુ સફરજનનાં ઝાડ પંચસ્તરીય જંગલ મોડેલ પદ્ધતિથી વાવ્યા છે. આ પદ્ધતિ વિવિધ ફળોના ઝાડને એકબીજા સાથે સુમેળ સાધીને સ્વયં-નિયંત્રિત અને ટકાઉ ઇકોસિસ્ટમ બનાવે છે. સફરજન ઉપરાંત, તેમના ખેતરમાં જામફળ, આંબા, એવોકાડો, દ્રાક્ષ, દાડમ અને અન્ય 42થી વધુ ફળોનાં ઝાડ તેમજ શાકભાજી અને મસાલાની પણ ખેતી થાય છે. આ વર્ષે એક ઝાડ પર લગભગ 50 જેટલા સફરજન લાગેલા છે અને એવા 60 ઝાડ સફરજનના મબલખ ઉત્પાદનથી ઝૂમી ઉઠ્યા છે. ખેડૂતના કહેવા મુજબ આશરે 100 કિલોથી પણ વધુ સફરજનનું ઉત્પાદન આ વર્ષે મેળવશે એવી આશા છે. વર્ષ 2016-17માં કેળની ખેતીથી શરૂ થયેલું આ ખેતર આજે વૈવિધ્યસભર અને ટકાઉ ખેતીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

ગુજરાતના ખેડૂતોને મહત્વની સલાહ, ચોમાસામાં આ રીતે જીવાતથી બચાવજો તમારો પાક

વડોદરાની ગરમીમાં સફરજનની સફળ ખેતી

ધર્મેશકુમાર પટેલના સફરજનના બગીચાની સફળતા ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે વડોદરાનું વાતાવરણ સામાન્ય રીતે સફરજનની ખેતી માટે અનુકૂળ માનવામાં આવતું નથી. હાલમાં હરિમન 99 નાં ઝાડ લીલાં સફરજનોથી લદાયેલાં છે, જે દર્શાવે છે કે યોગ્ય તકનીક અને પ્રાકૃતિક ખેતી દ્વારા અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. ધર્મેશકુમાર એ ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે, “માત્ર બે વર્ષમાં આ ઝાડ ફળ આપતાં જોઈને ખૂબ જ આનંદ થયો છે. આ દર્શાવે છે કે નૈસર્ગિક ખેતી અને યોગ્ય તકનીકો વડે અશક્યને શક્ય બનાવી શકાય.”

ખેતરની સફળતાનું મુખ્ય રહસ્ય તેમની ગૌશાળા છે, જે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી પોષક તત્વોથી ભરપૂર ઘન જીવામૃત ઉત્પન્ન કરે છે. આ પ્રાકૃતિક ખાતર તેમના પાકને પોષણ આપીને જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ થાય છે. આના મહત્વને સમજીને, ધર્મેશકુમાર પટેલે ગૌશાળા નજીક એક અનોખો ઘન જીવામૃત ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે, જે આ વિસ્તારમાં પ્રથમ છે. આ સ્વયંચાલિત પ્લાન્ટ માનવ હસ્તક્ષેપ વિના કાર્ય કરે છે અને આસપાસના 15 ગામોના ખેડૂતોને પૂરતું જીવામૃત પૂરું પાડે છે.

ધર્મેશકુમાર પટેલનું ખેતર માત્ર એક સફળતાની ગાથા નથી, પરંતુ તે પ્રાકૃતિક ખેતી અને નવીન વિચારસરણીની શક્તિનો જીવંત પુરાવો છે. ગરમ વાતાવરણમાં સફરજન ઉગાડવાની તેમની ક્ષમતા અને આસપાસના ખેડૂતોને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા સાવલીમાં ખેતીના નવા પ્રયોગો માટે પ્રેરણા પૂરી પાડી રહી છે. જેમ જેમ લણણીની મોસમ નજીક આવી રહી છે, તેમ તેમ પટેલનો બગીચો આશા અને સંભાવનાનું પ્રતીક બની રહ્યો છે, જે સાબિત કરે છે કે સમર્પણ અને કાળજી સાથે મોટામાં મોટા સપના પણ સાકાર થઈ શકે છે.

ગુજરાતના ક્રાંતિકારી પાટીદાર ખેડૂત : આંબાવાડીમાં એકસાથે 32 જાતની કેરી ઉગાડી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More