નવી દિલ્હી : હરિયાણા સરકારે પોતાના કર્મચારીઓને 7મા પગાર પંચની (7th pay commission) ભલામણ અનુસાર મકાન ભાડુ (HRA) 1 ઓગસ્ટથી આપવા આદેશ કર્યો છે. રાજ્યના નાણા મંત્રી કેપ્ટન અભિમન્યુએ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટકની જાહેરાત અનુસાર આ સંદર્ભે જાહેરાત કરી છે. હવે કર્મચારીઓને શહેરોની વસ્તીને અનુસાર બેઝિક સેલરીના 8,16 અને 24 ટકા સુધી એચઆરએ મળશે.
6 હજાર સુધીનો થશે ફાયદો
નાણામંત્રીએ કહ્યું કે, વર્ષ 2011ની વસ્તી ગણતરીને અનુસાર રાજ્યના અલગ અલગ શહેરો અને કસ્બાઓમાં ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ આ સુધારા અનુસાર મકાન ભાડામાં લાભ મળશે. આ સુધારાથી કર્મચારીઓ અને અધિકારીઓને 1190 રૂપિયાથી લઇને રૂપિયા 6000 સુધીનો લાભ થશે. સરકારે વસ્તીને આધારે એચઆરએ આપવાની લઘુત્તમ રકમ પણ નિયત કરી છે. એચઆરએમાં સુધારો થતાં રાજ્યના અંદાજે 3 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળશે.
આ રીતે થશે નવી ગણતરી
મકાન ભાડામાં કરાયેલા સુધારા અનુસાર 50 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને એક્સ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આવા શહેરોમાં ફરજ બજાવતા કર્મચારીઓને 24 ટકા કે લઘુત્તમ 5400 રૂપિયા એચઆરએ આપવામાં આવશે. એ જ રીતે 5 લાખ કે વધારે વસ્તી ધરાવતા શહેરોમાં કામ કરતા કર્મચારીઓને 16 ટકા કે લઘુત્તમ 3600 રૂપિયા એચઆરએ આપવામાં આવશે. જ્યારે 5 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ફરજ બજાવતા કર્મચારીઓને 8 ટકા કે લઘુત્તમ 1800 રૂપિયા એચઆરએ પેટે આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે