EPFO Circular : જો તમે પણ નોકરી કરતા હો અને દર મહિને તમારા પગારમાંથી PF કાપવામાં આવે છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કર્મચારીઓ માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો સર્વિસ ઓવરલેપ થશે તો પણ કર્મચારીઓના પીએફ ક્લેમ નકારવામાં આવશે નહીં. આ સાથે હવે ક્લેમ અને પૈસા ઉપાડવા માટે HR વિભાગ પાસેથી ચકાસણીની જરૂર રહેશે નહીં. નવા નિયમો સાથે કર્મચારીઓ તેમની બચત સરળતાથી મેળવી શકશે.
સર્વિસ ઓવરલેપ શું છે ?
સર્વિસ ઓવરલેપ એટલે જ્યારે કોઈ કર્મચારીને રેકોર્ડમાં એક જ તારીખે બે અલગ અલગ કંપનીઓમાં કામ કરતો દર્શાવવામાં આવે છે. આવું ત્યારે થાય છે જ્યારે એક કંપનીમાંથી નોકરી છોડવાની તારીખ અને બીજી કંપનીમાં જોડાવાની તારીખમાં ભૂલ હોય છે. અગાઉ, આ ઓવરલેપને કારણે EPFO પ્રાદેશિક કચેરીઓ ક્લેમને નકારી કાઢતી હતી. પરંતુ 20 મે, 2025ના રોજ બહાર પડાયેલા એક પરિપત્રમાં EPFO એ જણાવ્યું હતું કે ઓવરલેપ હોવા છતાં પણ ક્લેમ સ્વીકારવો પડશે. આ આધારે દાવો નકારવો જોઈએ નહીં. જો ઓવરલેપને સ્પષ્ટ કરવાની ખરેખર જરૂર હશે તો જ ક્લેમ અટકાવવામાં આવશે.
જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા કેવી રીતે બન્યું ભારત? જાણો
કર્મચારીઓને મોટી રાહત
EPFO દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી 7 કરોડ પગારદાર વર્ગના લાખો લોકોને ફાયદો થશે. નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ એ નિવૃત્તિ આવક અને નાણાકીય સુરક્ષાનો એક મોટો સ્ત્રોત છે. આ તેમની જીવનભરની બચતનો મુખ્ય ભાગ છે. પર્સનલ ફાઇનાન્સ નિષ્ણાત કુણાલ કાબરાએ કહ્યું, 'કર્મચારીઓ માટે આ એક મોટી રાહત છે.' જો કોઈ કર્મચારી 20 વર્ષ સુધી કામ કરે અને બે કંપનીઓ વચ્ચે એક દિવસનો પણ ઓવરલેપ હોય, તો તેના પૈસા ફસાઈ જતા હતા. ખાસ કરીને કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને આ રકમ ઉપાડવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
8.25% વ્યાજ દર મંજૂર
અગાઉ, નાણાકીય વર્ષ 2024-25 માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દર 8.25% જાળવી રાખવાના EPFOના નિર્ણયને નાણા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી તેની બેઠકમાં વ્યાજ દર 8.25% જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. નાણાકીય વર્ષ 2023-24 માટે સરકારે વ્યાજ દર 0.10% વધારીને 8.15% થી 8.25% કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે