Small savings schemes : ભારત સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, એટલે કે તમને અત્યાર સુધી મળતા વ્યાજ દરો જ મળતા રહેશે. આ યોજનાઓનો હેતુ લોકોને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, આ યોજનાઓ ખાસ કરીને નાના રોકાણકારો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સરકાર આ યોજનાઓમાં રોકાણ પર એક નિશ્ચિત વ્યાજ દર આપે છે, જે ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે.
ભારત સરકારે નાણાકીય વર્ષ 2025-26 (જુલાઈ-સપ્ટેમ્બર 2025)ના બીજા ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS), રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) અને પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય નાણા મંત્રાલયે 30 જૂન, 2025ના રોજ જારી કરેલા એક નોટિફિકેશનમાં લીધો હતો, જે મુજબ આ દરો પાછલા ત્રિમાસિક ગાળા જેટલા જ રહેશે.
મુખ્ય યોજનાઓના વ્યાજ દર
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) : વાર્ષિક વ્યાજ દર 7.1%, જે લાંબા ગાળાની બચત માટે ફેમસ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) : 8.2%નો આકર્ષક વ્યાજ દર, જે પુત્રીઓના શિક્ષણ અને લગ્ન માટે છે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) : 8.2%નો વ્યાજ દર, જે વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત રોકાણ વિકલ્પો પૂરા પાડે છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) : 7.7%નો વ્યાજ દર, જે મધ્યમ ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (FD) : 1થી 5 વર્ષના સમયગાળા માટે 6.9 થી 7.5% સુધીના વ્યાજ દર.
કિસાન વિકાસ પત્ર (KVP) : 7.5%નો વ્યાજ દર, જે 115 મહિનામાં રોકાણ બમણું કરવાનું વચન આપે છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર : 7.5% વ્યાજ દર, ખાસ કરીને મહિલાઓ માટે રચાયેલ છે.
નાણા મંત્રાલય દર ક્વાર્ટરમાં સરકારી બોન્ડ યીલ્ડ અને આર્થિક પરિસ્થિતિઓના આધારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. આ સતત છઠ્ઠો ક્વાર્ટર છે જ્યારે આ યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક સ્થિરતા, ફુગાવાના સ્તર અને રિઝર્વ બેંકની નાણાકીય નીતિને કારણે વ્યાજ દરમાં ફેરફાર કરવાની જરૂર પડી નથી. સ્થિર વ્યાજ દર રોકાણકારોને, ખાસ કરીને જોખમમુક્ત રોકાણ વિકલ્પો પસંદ કરતા લોકોને નિશ્ચિતતા પ્રદાન કરે છે.
PPF સૌથી ફેમસ યોજના
આ યોજનાઓ મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોમાં લોકપ્રિય છે, કારણ કે તે સુરક્ષિત વળતર અને કર લાભો પ્રદાન કરે છે. ખાસ કરીને PPF અને SSY જેવી યોજનાઓ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિ આપે છે. સ્થિર વ્યાજ દર રોકાણકારોને કોઈપણ ફેરફાર વિના તેમની નાણાકીય યોજનાઓ ચાલુ રાખવામાં મદદ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે