Utility News: અન્ય લોકોની જેમ શું તમારી સાથે પણ એવું થાય છે કે મહિનાની પહેલી તારીખે એકાઉન્ટમાં પગાર જમા થવાની ખુશી થાય છે અને 15-20 તારીખ આવતા-આવતા એકાઉન્ટ લગભગ ખાલી થઈ જાય છે. જો તમે પણ મહિનાના અંતમાં ખાલી ખિસ્સાથી પરેશાન છો અને વિચારો છો કે તમારા પૈસા કયાં જતા રહે છે તો ચિંતા ન કરો.
હકીકતમાં આ મુશ્કેલીમાંથી નીકળવા માટે તમારે પગાર વધારવાની નહીં, પરંતુ તેને સારી રીતે મેનેજ કરવાની જરૂર છે. અમે તમને પાંચ એવા ધાંસૂ અને પ્રેક્ટિકલ રૂલ્સ સમજાવીશું, જે તમારી પૈસાની ચિંતા દૂર કરી શકે છે અને મહિનાના અંતે તમારૂ ખિસ્સું ભરાયેલું રહી શકે છે.
1. 'ખર્ચનો હિસાબ' બનાવો અને જાણો કે પૈસા ક્યાં જાય છે?
પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું એ ખર્ચનો હિસાબ બનાવવો છે. મહિનાની શરૂઆતમાં ડાયરી અથવા મોબાઇલ એપમાં લખો કે તમારો પગાર કેટલો છે અને તમારા આવશ્યક ખર્ચ (ભાડું, બિલ, રાશન, EMI) શું છે. આનાથી સ્પષ્ટ થશે કે તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે..
2. 50/30/20 ના સુપરહિટ ફોર્મ્યુલાને અનુસરો
50/30/20 નું સુપરહિટ ફોર્મ્યુલા એ પૈસાના સંચાલનનો વિશ્વનો સૌથી પ્રખ્યાત અને સરળ નિયમ છે. આ મુજબ, તમારા પગારને ત્રણ ભાગમાં વહેંચો. 50% (જરૂરિયાતો): આ ભાગ ઘર ભાડું, રાશન, વીજળી-પાણી બિલ, બાળકોની ફી અને EMI જેવી મહત્વપૂર્ણ બાબતો પર ખર્ચ કરો. 30% (શોખ): આ પૈસાથી, તમારા જીવનના મહત્વપૂર્ણ શોખ પૂરા કરો. પછી 20% (બચત અને રોકાણ): તમારો પગાર મળતાની સાથે જ, પહેલા આ 20% ભાગ કાઢી લો અને તેને કોઈપણ SIP, FD અથવા ઇમરજન્સી ફંડમાં રોકાણ કરો.
આ પણ વાંચોઃ એકાઉન્ટ ખાલી રહેવા પર પૈસા કપાશે નહીં, 6 બેંકોએ ખતમ કર્યો મિનિમમ બેલેન્સ ચાર્જ
3. તમારા 'પૈસાનું લક્ષ્ય' નક્કી કરો
કોઈપણ લક્ષ્ય વિના યોગ્ય રીતે પૈસા બચાવવા ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તમારે તમારી જરૂરિયાતો અનુસાર તમારા નાના અને મોટા નાણાકીય લક્ષ્યો નક્કી કરવા જોઈએ.
ટૂંકા ગાળાના ધ્યેય: જેમ કે 6 મહિનામાં નવો સ્માર્ટફોન ખરીદવો.
લાંબા ગાળાના ધ્યેય: જેમ કે 5 વર્ષમાં કાર માટે ડાઉન પેમેન્ટ કરવું અથવા 15 વર્ષમાં તમારું પોતાનું ઘર ખરીદવું.
4. ઓટો-પાયલટ મોડમાં નાખો તમારી બચત
હંમેશા આજકાલ લોકો પોતાની બચતને ટેક્નોલોજીના હવાલે કરી દેતા હોય છે. તો હવે તમારા બેંક એકાઉન્ટમાં ઓટો-ડેબિટ સુવિધા શરૂ કરો. તેનાથી દર મહિને પગાર આવતા એક ફિક્સ રકમ (જેમ તમારા પગારના 20 ટકા) ઓટોમેટિક કપાઈ તમારી SIP કે રેકરિંગ ડિપોઝિટમાં જતા રહે.
5. ખોટા ખર્ચા પર લગામ લગાવો
તમારા બજેટને કાળજીપૂર્વક જુઓ અને એવા ખર્ચાઓ ઓળખો જે બિનજરૂરી છે. બિનજરૂરી OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન, વધુ પડતી ઓનલાઈન શોપિંગ વગેરે ટાળો. આ નાના પરંતુ વારંવાર થતા 'બિનજરૂરી ખર્ચાઓ' બંધ કરીને, તમે દર મહિને મોટી રકમ બચાવી શકો છો. (નોંધ: આ લેખ ફક્ત માહિતી માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણ સલાહ તરીકે ન ગણવો જોઈએ, રોકાણ માટે નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરવામાં આવે છે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે