આશ્કા જાની/અમદાવાદ :દિવસે દિવસે શાક ભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેનું મોટું કારણ એ છે કે,આગળથી શાક આવી નથી રહ્યું. કોરોનાને કારણે અનેક ખેડૂતો અમદાવાદમાં માલ વેચવા નથી આવી રહ્યા. તો સાથે જ વરસાદના લીધે શાકભાજી બગડી જાય છે. તેથી હાલ શાકના ભાવ વધારે છે. શાકભાજી (vegetable price) ના ભાવવધારાને કારણે વેપારીઓને ગ્રાહક નથી મળી રહ્યા. કારણ કે, ભાવ વધવાથી ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ જાય છે.
શાકભાજીના કિલોના ભાવ
બટાકા, ટામેટા, ડુંગળીની સાથે સાથે લીલા શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને કારણે ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને ડુંગળી અને ટામેટાના ભાવે લોકોને પરેશાન કરી મૂક્યા છે. આ વિશે શાકભાજીના વેપારી કહે છે કે, જ્યાં સુધી શાકભાજીના નવા પાકની આવક નહિ થાય, ત્યાં સુધી કિંમતમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. દૂધી, ભીંડા, કાકડી, કોબીજ સહિત તમામ શાકભાજીના ભાવ એક સપ્તાહની સરખામણીમાં 10 રૂપિયાથી 20 રૂપિયા કિલો વધી ગયા છે.
વેપારીઓ કહે છે કે, માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે તેના કરતા ઓછી શાકભાજી આવી રહી છે. જેને કારણે ભાવ વધેલા છે. તો બીજી તરફ ફળના ભાવમાં ઘટાડો થયો છે. જ્યાં સુધી શાકભાજીના પાકની આવક પર જોર નહિ આવે ત્યાં સુધી તેના ભાવમાં ઘટાડો શક્યનથી. જોકે, શાકભાજીની નવી આવક ઓક્ટોબરમાં શરૂ થઈ જશે. પરંતુ નવેમ્બર પહેલા આવકમાં જોર પકડાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે