ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત મુજબ, રાજ્યમાં દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી (fire safety) એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના આ નિર્ણયથી સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વરોજગારીની નવી તકો મળતી થશે. તેમજ શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એનઓસી મેળવવાનું અને રિન્યુએબલ પણ સરળતાથી થઈ શકશે. બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.
રાજ્યમાં આવેલા અંદાજે 5 લાખથી વધુ મકાનો, વાણિજ્યિક સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકારના આ નિર્ણયથી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું ખૂબ જ સરળ બનશે. મિલકત માલિકો-કબજેદારો પોતાની પસંદગી મૂજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ મેળવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે