Trump Tariffs: ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટેરિફ 90 દિવસ માટે પરત લઈને વૈશ્વિક બજારને રાહત આપી છે. આના કારણે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી છે. આ ટેરિફ કામચલાઉ પરત લીધો છે. અમેરિકા 90 દિવસ પછી ફરીથી ટેરિફ લગાવી શકે છે, પરંતુ હાલમાં બજારને રાહત મળી છે. આ યુ-ટર્ન કેમ? આના માટે જાણો 5 મોટા કારણો.
- યુએસ બોન્ડ અને શેરબજાર એકસાથે પડ્યા: સામાન્ય રીતે યુએસ બોન્ડ અને શેરબજાર વિરુદ્ધ દિશામાં આગળ વધે છે, પરંતુ ટ્રમ્પે ટેરિફ લાદ્યા પછી, બંને એકસાથે પડ્યા. નિષ્ણાતોના મતે, ટ્રમ્પના ટેરિફની અપેક્ષા મુજબ ચીન જેવા દેશોએ અમેરિકન બોન્ડ વેચવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે બોન્ડ માર્કેટ પણ શેરબજારની જેમ ઘટ્યું હતું.
- અમેરિકામાં રોકડ સંકટ: બોન્ડ અને શેરબજારમાં ઘટાડા પછી, અમેરિકન અર્થતંત્રમાં રોકડ સંકટ વધવા લાગ્યું. વધુમાં, ટેરિફને કારણે વ્યાપારિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ ગઈ હોવાથી ફુગાવો વધવાનું જોખમ હતું. તેથી, ટ્રમ્પે ટેરિફ પર બ્રેક આપીને અન્ય દેશો સાથે વાટાઘાટોનો માર્ગ ખોલવો પડ્યો.
- ટેસ્લાનો એશિયન વ્યવસાય ચીનના BYD પાસે ગયો: એલોન મસ્કની ટેસ્લાએ એશિયામાં જંગી રોકાણ કર્યું, પરંતુ ટ્રમ્પના ટેરિફ પછી, ચીનની BYD કંપનીએ તેનું બજાર છીનવી લીધું. BYD ની ઇલેક્ટ્રિક કાર ટેસ્લા કરતા સસ્તી છે, જેના કારણે એશિયન દેશો ચીની કંપનીને પસંદ કરે છે.
- દેવું-આવક અસંતુલન: ટેરિફ લાદવાને કારણે યુએસ નિકાસમાં ઘટાડો થયો અને ડોલર નબળા પડવાને કારણે દેવું ચૂકવવાનો બોજ વધ્યો. આ અસંતુલન એટલું વધી ગયું કે ટ્રમ્પને પોતાની નીતિ બદલવી પડી.
- યુએસ ફેડે ટ્રમ્પનું સાંભળ્યું નહીં: ટ્રમ્પ ઇચ્છતા હતા કે યુએસ ફેડ વ્યાજ દર ઘટાડે, પરંતુ ફેડના ચેરમેન જેરોમ પોવેલ ફુગાવાને રોકવા પર અડગ રહ્યા. ફેડે વ્યાજ દર ઘટાડવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેને ડર હતો કે ટેરિફ ફુગાવાને વધુ વેગ આપશે અને યુએસ અર્થતંત્ર પર દબાણ લાવશે.
ટ્રમ્પના નિર્ણય વિશે નિષ્ણાતો શું કહે છે?
એક ખાનગી પોર્ટલના સમાચાર મુજબ પ્રોફિટમાર્ટના અવિનાશ ગોરક્ષકર કહે છે કે ટ્રમ્પને આ પગલું ત્યારે જ ભરવું પડ્યું જ્યારે અમેરિકન અર્થતંત્ર સામે અનેક કટોકટીઓ એક સાથે આવી ગઈ. આ દરમિયાન, બસવ કેપિટલના સંદીપ પાંડે માને છે કે, ચીન સહિત ઘણા દેશોએ અમેરિકન બોન્ડ વેચીને ટ્રમ્પને ઘૂંટણિયે પાડી દીધા.
(Disclamar: આ એક્સપર્ટના પોતાના અંગત મંતવ્ય છે, Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે