બોલીવુડની આ અભિનેત્રી કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે આમીર ખાન સાથે લગાનમાં કામ કર્યું હતું અને સંજય દત્ત સાથે મુન્નાભાઈ એમબીબીએસમાં જોવા મળી હતી. તેની માસૂમ અદા અને ભોળી સુરત લોકોને આકર્ષી જતા હતા. જો કે હવે એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ટાટા બાયબાય કરી દીધુ છે.
1997માં શરૂ કરી હતી કરિયર
ગ્રેસી સિંહ એક ટ્રેઈન્ડ ડાન્સર છે. તેણે ક્લાસિકલ ડાન્સર તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ તે સૌથી પહેલા 1997માં ટીવીના પડદે અમાનત શોમાં જોવા મળી હતી. અહીંથી અભિનયની કારકિર્દી શરૂ કરી. જોત જોતામાં તો તે ટીવીની દુનિયામાંથી સીધી રૂપેરી પડદે પહોંચી ગઈ. બહુ ઓછા સમયમાં ગ્રેસી સિંહે પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોને ઈમ્પ્રેસ કર્યા હતા. ત્યારબાદ તે મુન્નાભાઈ એમબીબીએસ, ગંગાજળ, શર્ત, યહી હૈ જીંદગી, મુસ્કાન જેવી ફિલ્મોમાં પણ જોવા મળી. આમીર સાથે લગાન ફિલ્મમાં તેણે ગૌરીનું યાદગાર પાત્ર ભજવ્યું હતું.
મેનેજરના નિધન બાદ હાલત ખરાબ થઈ
ગ્રેસી સિંહ બોલીવુડ ઉપરાંત રીજિયોનલ સિનેમા તરફ પણ વળી પરંતુ વધુ સફળતા મળી નહીં. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2008માં ગ્રેસીના મેનેજરનું નિધન થયું હતું અને ત્યારબાદ તેની પડતી શરૂ થઈ. એવું પણ કહેવાય છે કે ત્યારબાદ જ ગ્રેસીને પ્રોજેક્ટ્સ મળવાના ઘટી ગયા. પછી થોડા સમય બાદ તેણે પોતે પણ અભિનયથી અંતર જાળવવા માંડ્યું. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે એક્ટિંગ તેના જીવનનો હેતુ નથી.
2013 બાદ રાહ બદલી
ગ્રેસી છેલ્લે ટીવી શો 'સંતોષી મા-સુનાએ વ્રત કથાએ'માં જોવા મળી હતી. જો કે 2013માં ગ્રેસીએ ગ્લેમરસ વર્લ્ડની આ ઝાકમઝોળવાળી દુનિયા છોડીને આધ્યાત્મનો રસ્તો પસંદ કર્યો હતો. તેણે બ્રહ્માકુમારી જોઈન કરી લીધુ. એવું કહેવાય છે કે અભિનેત્રી ત્યાં શાંતિની શોધમાં ગઈ હતી. રિપોર્ટ્સનું માનીએ તો તે પોતાના ક્લાસિકલ ડાન્સના માધ્યમથી બ્રહ્માકુમારીમાં આધ્યાત્મિકતાનો સંદેશ આપે છે. ગ્રેસી 44 વર્ષની થઈ ગઈ છે અને હજુ તેણે લગ્ન કર્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે