Kishaor Kumar: ઝીટીવી પર આવતાં સારેગામાપા મ્યુઝિક રિયાલિટી શોના 2024ની સીઝનમાં સચિન-જીગર, સચેત પરંપરા અને ગુરુ રંધાવા જેવા દિગ્ગજ ગાયકોની પેનલ હતી. આ સીઝનના એક સ્પેશિયલ એપિસોડ દરમિયાન બોલીવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતા અનુ કપૂરને શોના ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતાં.
ગીતનું કંપોઝીશન આર.ડી. બર્મન દ્વારા થયું
એપિસોડ દરમિયાન અનુ કપૂરે રાજેશ ખન્ના કે જેમને લોકો કાકા કહીને સંબોધતા અને કિશોર કુમાર સંબંધિત એક કિસ્સો કહ્યો. તેમણે રાજેશ ખન્નાની 'મહેબૂબ' ફિલ્મનું 'મેરે નૈના સાવન ભાદો ગીત' કંઈ રીતે આવ્યું અને તેનું રેકોર્ડિંગ કેવી રીતે થયું તેના વિશે વાતચીત કરી હતી. તેમણે આ ગીત પાછળની રોમાંચક કથા વર્ણવતા કહ્યું કે શક્તિ સામંત એક ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા અને આર.ડી.બર્મન (પંચમ)એ તેમના માટે એક જબરદસ્ત કંપોઝીશન તૈયાર કર્યું હતું.
રફી સાહેબ અને કિશોર કુમાર વચ્ચેની એક પસંદગી
પ્રોડ્યુસર-ડાયરેક્ટર શક્તિ સામંત અને ગીતકાર આનંદ બક્ષી બંને ઈચ્છતા હતા કે આ ગીત રફી સાહેબના અવાજે રેકોર્ડ થાય. તેમને લાગતું હતું કે ગીતના મૂડ અને તેના અંદાજ માટે રફી સાહેબનો અવાજ એકદમ બંધબેસતો છે. જોકે ફિલ્મના હીરો રાજેશ ખન્ના, જેમને લોકો પ્રેમથી કાકા કહે છે તેમણે આગ્રહ રાખ્યો કે કિશોર કુમાર જ આ ગીતને અવાજ આપશે.
રાજેશ ખન્ના તો 'મહેબૂબ' છોડવાં પણ તૈયાર હતા
કિશોર કુમારને આ નિર્ણય માટે મનાવવા રાજેશ ખન્ના પોતે રાત્રે 2 વાગ્યે તેમના ઘરે પહોંચ્યા અને 'મેરે નૈના સાવન ભાદો' ગીતનું ગાયન કરે તેવો અનુરોધ કર્યોં. કિશોર કુમારને થોડો સંકોચ થયો. તેમણે કહ્યું કે, "મને પોતાને નથી ખબર કે હું આ ગીત ગાઈ શકીશ કે નહીં." રાજેશ ખન્નાએ તેમને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યોં અને જાહેર કર્યું કે જો કિશોર કુમાર આ ગીતને નહીં લે તો તેઓ ફિલ્મ છોડી દેશે. ત્યારબાદ કિશોર કુમારે કાકાને કહ્યું કે મને એક મહિનાનો સમય આપો. રાજેશ ખન્ના રાજી થયાં.
શક્તિ સામંત સ્ટુડિયો છોડી જતાં રહ્યાં
એક મહિના બાદ 'મેરે નૈના સાવન ભાદો' ગીતને કિશોર કુમારના કંઠે સાંભળવાનો સમય આવી ગયો હતો. ગીતના રેકોર્ડિંગના દિવસે કિશોર કુમારએ સ્ટુડિયોમાં જઈ રેકોર્ડિંગ શરુ પરંતુ પહેલા ટેકમાં જ એટલું ખરાબ પર્ફોર્મન્સ રહ્યું હતું કે શક્તિ સામંત સ્ટૂડિયો છોડીને જતાં રહ્યાં અને કહ્યું કે હું આર.ડી. બર્મન સાથે વાત કરીશ કે તેઓ રફી સાહેબને જ ગીત ગાવા કહે.
ફર્સ્ટ ટેકમાં જ ગીત ફાઈનલ થયું
શક્તિ સામંત સ્ટુડિયો છોડી ગયાં તેની 15-20 મિનિટ બાદ, કિશોર કુમારે રેકોર્ડિંગ બુથથી આર.ડી. બર્મનને બંગાળીમાં પૂછ્યું કે શક્તિ જતાં રહ્યાં? જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ ખરેખર સ્ટુડિયો છોડી જતાં રહ્યાં છે, ત્યારબાદ કિશોર કુમારે ફરી ટેક લેવા કહ્યું અને તે માત્ર ફર્સ્ટ ટેકમાં જ એટલું જબરદસ્ત ગાયન થયું કે તેને 'મેરે નૈના સાવન ભાદો' ગીતના ફાઈનલ રેકોર્ડિંગ તરીકે નક્કી કરવામાં આવ્યું. આ ઘટના કિશોર કુમારની કલાત્મક ક્ષમતા અને તેમના અંદાજને આપણા સમક્ષ પ્રસ્તુત કરે છે.
કિશોર કુમાર એટલાં પ્રખ્યાત ગાયક છે કે આજે દરેક પેઢીના લોકો તેમને જાણે છે. કિશોર કુમારે બોલીવૂડ જગતને અનેક હિટ ગીતો આપ્યાં છે અને આજેપણ લોકોને તેઓ ખૂબ પ્રિય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે