બોલીવુડ એક્ટર ગોવિંદાના છૂટાછેડાની અફવાઓએ સોશિયલ મીડિયા પર કબજો કરી રાખ્યો છે. ગોવિંદા અને સુનીતા આહુજાના 37 વર્ષના લગ્ન જીવનનો અંત થવાની વાત સામે આવી હતી. બંનેએ આ દાવાઓ પર મૌન ધારણ કર્યુંહતું. તેમના બાળકોએ પણ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નહીં, પરંતુ હવે આગની જેમ ફેલાતા આ સમાચાર મામલે સુનીતા આહુજાએ દુનિયાની સામે સત્ય જાહેર કર્યું છે. તેનું નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને તેને સાંભળ્યા બાદ તમામ અટકળો લગાવી રહેલા લોકોની બોલતી બંધ થઈ ગઈ છે. સુનીતાએ તમામ દાવાને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તેણે કહેલી વાતોને તોડીમરોડી રજૂ કરવામાં આવી છે.
નહીં થાય ગોવિંદાના છૂટાછેડા
તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે બોલીવુડ સ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા છૂટાછેડા લેવાના છે. ઘણા રિપોર્ટ્સમાં તે દાવો કરવામાં આવ્યો હતો કે ગોવિંદાના વકીલે પુષ્ટિ કરી છે કે સુનીતાએ છ મહિના પહેલા અભિનેતાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. પરંતુ હવે સુનીતાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ કપલ વચ્ચે કોઈ વિવાદ નથી અને બંને એક સાથે છે. તમામ અટકળો વચ્ચે સુનીતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે છૂટાછેડાની વાત નકારી રહી છે. ક્લિપમાં તે ભાર આપીને કહે છે કે તેના અને ગોવિંદા વચ્ચે કોઈ ન આવી શકે.
સુનીતાએ કરી સ્પષ્ટતા
સુનીતાએ પહેલાં જણાવ્યું હતું કે તે અને ગોવિંદા અલગ-અલગ ઘરમાં રહે છે, જેનાથી લગ્ન જીવનમાં વિવાદની અફવાઓ ઉડી. તેણે તે પણ જણાવ્યું હતું કે તે 12 વર્ષથી પોતાનો જન્મદિવસ એકલી મનાવી રહી છે, જેનાથી આ અટકળોને વેગ મળ્યો હતો. પરંતુ વાયરલ વીડિયોમાં સુનીતાએ અલગ રહેવાની હકીકત જણાવી છે. તેણે સમજાવ્યું- અલગ-અલગ રહેવાનો મતલબ એ છે કે જ્યારે તેમણે રાજનીતિમાં સામેલ થવું પડ્યું, ત્યારે અમારી દીકરી મોટી થઈ રહી હતી અને દરેક સમયે ઘરમાં કાર્યકર્તા આવતા રહેતા હતા. તે અને હું આરામથી ઘરમાં શોર્ટ્સ પહેરી ફરતા હતા. તેથી અમે સામે એક ઓફિસ લઈ લીધી હતી. જો આ દુનિયામાં છે કોઈ એવું જે મને અને ગોવિંદાને અલગ કરી શકે તો સામે લાવી દેખાડો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે