Gambhira Bridge Collapse: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9 જુલાઈએ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દર્ઘટનામા 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ગુજરાતના વડોદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે.
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે. માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આણંદ અને વડોદરાને જોડતો આ પુલ 1986 માં બનાવવામાં આવ્યો હતો. ૨૦૨૨થી આ પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ પુલ યુપી સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ લખનૌ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે