Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં પાલતુ શ્વાન માટે બનશે સ્મશાન ગૃહ, એક સાથે બે શ્વાનના થઈ શકશે અંતિમ સંસ્કાર

લોકોમાં શ્વાન પાળવાનો શોખ વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં અનેક લોકોના ઘરે શ્વાન જોવા મળે છે. પરંતુ જ્યારે આ શ્વાનનું મૃત્યુ થાય ત્યારે તેના મૃતદેહનો નિકાલ કઈ રીતે કરવો તે મુશ્કેલીભર્યું કામ હોય છે. પરંતુ હવે અમદાવાદ કોર્પોરેશને પાલતુ શ્વાન માટે સ્મશાન બનાવવાનો નિર્ણય લીધો છે.

 અમદાવાદમાં પાલતુ શ્વાન માટે બનશે સ્મશાન ગૃહ, એક સાથે બે શ્વાનના થઈ શકશે અંતિમ સંસ્કાર

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય તો તેના ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં હવે કોર્પોરેશન દ્વારા પાલતું શ્વાન માટે સ્મશાન બનાવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા 30 લાખના ખર્ચે પાલતું શ્વાન માટે સ્મશાન ગૃહ બનાવવામાં આવશે.

fallbacks

અમદાવાદ પાલિકાનો નિર્ણય
અમદાવાદમાં પહેલી વખત પાલતુ શ્વાન માટે સ્મશાન બનાવવામાં આવશે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 લાખ રૂપિયાના ખર્ચે CNG ડોગ સ્મશાન બનાવાશે, જેથી એકસાથે 2 શ્વાનના અગ્નિસંસ્કાર થઈ શકશે. અહીં નાગરિકો દાણીલીમડા વિસ્તારમાં પેટ ડોગ્સ, સ્ટ્રીટ ડોગ્સનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

શહેરમાં શ્વાન માટે સ્મશાનગૃહ બનાવવાની પ્રક્રિયા છેલ્લા બે વર્ષથી વિચારણા હેઠળ હતી. શહેરથી દૂર ગ્યાસપુર નજીક શ્વાન માટે સ્મશાનગૃહ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ શ્વાન માટે સ્મશાનગૃહ બનાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. તાજેતરમાં, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા શ્વાન માટે સ્મશાનગૃહ બનાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ વિકાસનો નવો માપદંડ બનશે અમદાવાદનો આ રોડ, 6 લેન બનાવવા માટે શરૂ થયો ધમધમાટ

દાણીલીમડાના કરુણ્ય મંદિરમાં શ્વાન માટે સ્મશાનગૃહબનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં શ્વાન પુનર્વસન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. શ્વાન માટે CNG ભઠ્ઠી સાથે સ્મશાનગૃહ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. 30 લાખ રૂપિયાના ખર્ચે શ્વાન માટે સ્મશાનગૃહ બનાવવામાં આવશે. જેના માટે એક નવી અત્યાધુનિક CNG ફર્નેસ મશીન બનાવવામાં આવશે. 80 કિલોગ્રામ ક્ષમતા ધરાવતું અગ્નિસંસ્કાર મશીન બનાવવામાં આવશે. જેમાં એક સમયે બે શ્વાનનો અગ્નિસંસ્કાર કરી શકાય છે. 

નાગરિકોને તેમના પાલતુ શ્વાન પ્રત્યે ઘણી લાગણી હોય છે. જ્યારે કોઈ પાલતુ શ્વાન પરિવારના સભ્યની જેમ ઘરમાં રાખવામાં આવે છે, ત્યારે હવે તેના અંતિમ સંસ્કાર ખૂબ જ સન્માન સાથે થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. CNCD વિભાગના ડાયરેક્ટર નરેશ રાજપુતે  જણાવ્યું હતું કે, દાણીલીમડાના કરુણા મંદિરમાં CNG ગેસ ભઠ્ઠી સાથે ગુજરાતનું પ્રથમ શ્વાન સ્મશાનગૃહ બનવા જઈ રહ્યું છે. CNG ભઠ્ઠીથી બનેલ શ્વાનનાં સ્મશાનગૃહ પર્યાવરણીય અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક છે. 

આગામી દિવસોમાં નિયત ફી નક્કી કરવામાં આવશે જેથી મૃત શ્વાન કે બિલાડીના અંતિમ સંસ્કાર કરી શકાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  પાલતુ શ્વાનની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરમાં લગભગ 50 હજાર પાલતુ શ્વાન છે, જેમાંથી અત્યાર સુધીમાં 5500 પાલતુ શ્વાન AMCમાં નોંધાયેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજ મૃત પ્રાણીઓના નિકાલ અંગે લગભગ 40 થી 50 ફરિયાદો મળે છે. આમાં લગભગ 8 થી 10 શ્વાન પણ સામેલ હોય છે. કોર્પોરેશને પ્રાણીઓના અગ્નિસંસ્કાર સન્માનજનક રીતે થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More