જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડાએ પોલીસને દોડતી કરી દીધી છે. અમરાઇવાડીમાં રહેતા દંપતિને ગત મોડી રાત્રે ઝઘડો થતાં જ પત્ની તેના બે બાળકો સાથે રાણીપમાં પિતાના ઘરે આવી ગઇ હતી. જો કે ગુસ્સે ભરાયેલા પતિએ આજે બપોરે રાણીપમાં મહિલાના પિતાના ઘરે આવીને તેની પર એસીડ ફેંક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના અમરાઇવાડીમાં વિસ્તારમાં રહેતા અને છુટક મજુરી કામ કરતાં નરોત્તમ સોલંકીને ગત મોડી રાત્રે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જો કે આ ઘરકંકાસ ઉગ્ર બનતા આજે સવારે નરોત્તમ ભાઇની પત્ની તેના બંન્ને સંતાનો સાથે પિયરમાં આવી ગઇ હતી. જ્યાં બપોરે 3 વાગ્યાની આસપાસ નરોત્તમ ભાઇ એસીડની બોટલ લઇને પહોચ્યાં હતાં. અને તેની જ પત્ની પર એસીડ ફેંક્યો હતો. જેમાં મહીલાના બરડાના ભાગે ઇજા પહોચતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે આ ઘટનામાં તેમની બાળકીને પણ એસીડના છાંટા ઉડતા ઇજા પહોચી હતી.
સમગ્ર ઘટનાની જાણ કરતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને પુરતા પુરાવા એકત્ર કરીને આરોપીની પણ અટકાયત કરી છે. આરોપી અને ઇજાગ્રસ્ત મહીલાનો લગ્ન ગાળો 17 વર્ષનો છે. અને બે સંતાનો પણ છે. જો કે નજીવી બાબતમાં બંન્ને વચ્ચે વારંવાર ઝઘડા થઇ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરીને એફએસએલની મદદ લઇને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આરોપી પતિની પણ પોલીસ દ્વારા અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. એસીડ ફેક્યા બાદ મહિલાને પીઠના ભાગે ઈજાઓ પહોંચી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે