ઝી મીડિયા/બ્યૂરો :ઘણા પરિવારોમાં જન્મેલ નવજાત શિશુ જન્મ સાથે અનેક સમસ્યાઓથી ઘેરાઇ જાય છે. આવુ જ કંઇક મોરબીના શૈલેષ રાઠવા સાથે થયું. તેમનો 5 મહિનાનો દીકરો રાજવીર હજુ તો પાપા-પગલી માંડતા પણ શીખ્યો ન હતો ત્યારે રાજવીરને એકા-એક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. સમગ્ર પરિવાર ચિંતાતુર બનતા મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા. ત્યાં તો રાજવીરને ઓક્સિજન પર રાખવા પડ્યો. 5 મહિનાના નાજૂક કુમળા ફુલ સમું બાળક ઓક્સિજન પર હોય ત્યારે માતા-પિતા માટે તો એક કરૂણાંતિકા જ કહી શકાય.
રાજવીરની હાલત સમય જતા વધુ નાજુક થવા લાગી. જેથી વધુ સધન અને શ્રેષ્ઠ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામા આવ્યા. પરંતુ રાજકોટમાં તબીબોને રાજવીરની સ્વાસ્થ્ય તકલીફોમાં હૃદય સંબંધિત તકલીફો પણ અતિગંભીર જણાઇ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને રીફર કર્યો. ચિંતામય રાઠવા પરિવાર પોતાના નવજાત બાળકને લઇ આંખોમાં આશાના તોરણા બાંધીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યો હતો.
5 મહિનાના નવજાત રાજવીરને તેમના માતા-પિતા અમદાવાદ સિવિલ મેડિસીટીમાં શ્વાસ લેવામાં પડતી તકલીફની ફરિયાદ સાથે લાવ્યા. એકાએક આ શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હૃદયના ઘબકારા અપ્રમાણસર બન્યા. મધ્યાંતરે વિવિધ પ્રકારના તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા. તબીબી સારવાર ચાલી રહી હતી એવામાં હૃદયના ધબકારા બંધ પડી ગયા! જિંદગી અને મોત વચ્ચે રીતસર ઝઝૂમી રહેલો રાજવીર અંતે જીત્યો. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન મહેતા હૃદયરોગ હોસ્પિટલના તબીબોની સમયસૂચકતા ભરી સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા Cardiopulmonary resuscitation (CPR) સર્જરી કરાઈ. જેમાં કૃત્રિમ રીતે હૃદય પર દબાણ ઉભુ કરી તેને પુન:ધબકતુ કરવામાં આવ્યું. ઇન્જેકશન આપી રાજવીરના હૃદયને પુન:ધબકતુ કરવામાં આવ્યું, જે એક ચમકાત્કાર થી ઓછુ ન હતું !!
યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં નિદાનમાં રાજવીરના ઇકોકાર્ડિયોગ્રામ ટ્રિકસપીડ રેગર્ગાઇટેશન અને પલ્મોનરી હાઇપરટેન્શન સાથે નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ. સિટી સ્કેન કરાતા જાણવા મળ્યુ કે છાતીના ભાગમાં 6/5/4 સેમીની મહાકાય ગાંઠ છે. જે રાજવીરના ફેફસાં અને મુખ્ય શ્વાસનળી ઉપર દબાણ ઉભુ કરી રહી હતી. જે કારણોસર જ રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઇ રહી હતી. જેણે તબીબોએ ભારે જહેમત બાદ નિયંત્રણ મેળવ્યુ.
રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતા તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠના સારવારની આક્સમિક જરૂરિયાત ઉભી થતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે, જે જન્મજાત જ હોય છે. પરંતુ સમય જતા તેના કદમાં વધારો થતો જાય છે. જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જોખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને અત્યંત જોખમી માનવામાં આવે છે. બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી વિશેની સમગ્ર ગંભીરતા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાજવીરના માતા-પિતાને સમજાવવામાં આવી જે સાંભળી રાઠવા પરિવાર ગભરાયા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને આશા બંધાવી કે રાજવીરને કંઇ જ નહિ થાય. આ જંગ આપણે જીતીશું.
બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી, બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ, ડો.મહેશ વાઘેલા, ડો.ભાવના રાવલ, ડૉ. સૂચેતા મુનશી, ડૉ. અનુયા ચૌહાણની ટીમે અત્યંત જોખમી એવી બ્રોન્કો જેનિક સિસ્ટની સર્જરી હાથ ધરી. સર્જરીમાં વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી. રાજવીરને 1 દિવસ વેન્ટીલેટર પર અને 10 થી વધુ દિવસ ઓક્સિજન પર રાખીને સર્જરી બાદની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. આ દરમિયાન બાળકને રાયલ્સ ટ્યુબ એટલે કે નળી વાટે દૂધ પીવડાવવામાં આવતુ હતુ. જે 10 દિવસની સારવાર બાદ રાજવીરને માતાનું ધાવણ મળતુ થયું. 10 થી 15 દિવસની લાંબી સારવાર અને ભારે જહેમત બાદ રાજવીર સંપૂર્ણપણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યો છે.
આ પણ વાંચો : એવી તો કઈ ગેમ રમાઈ કે, ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભરવાની ના પાડી
શું છે બ્રોન્કોજેનિક સિસ્ટ ?
બાળકનો ગર્ભમાં જ્યારે વિકાસ થઇ રહ્યો હોય છે ત્યારે શ્વાસનળીની રચના દરમિયાન શરીરમાં ઘટકો છૂટા પડતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જૂજ કિસ્સામાં ઘટકો શ્વાસનળીની બહાર પડી જતા ગાંઠની રચના થવા લાગે છે. જે સમય જતા વિશાળકાય સ્વરૂપ ઘારણ કરે છે. આ તકલીફની સમયસર સર્જરી કરવી અતિઆવશ્યક બની રહે છે. અમૂક કિસ્સામાં આ ગાંઠમાં જો પાણી ભરાઇ જાય અથવા ઇન્ફેક્શન લાગે ત્યારે અન્ય અંગોમાં તે દબાણ ઉત્પન્ન કરે છે. જે કારણોસર દર્દી અત્યંત કપરી પરિસ્થિતિમાં મૂકાઇ જાય છે. જીવ ગુમાવવાનું પણ જોખમ રહેલું હોય છે. આ પ્રકારના કિસ્સા 50 થી 60 હજારે એક બાળકમાં જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે