Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ અને અમરેલીમાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. 14 ઈંચ વરસાદમાં બોટાદ પાણી પાણી થયું છે. પાલિતાણામાં સવારથી રાત્રિના 10 વાગ્યા સુધી 12 ઇંચ વરસાદ ખાબક્યો.
આંકડાની વાત કરીએ તો
ભાવનગરમાં ભારે હાલાકી
રાજ્યમાં આજથી મેઘરાજાનું સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. ભાવનગર જિલ્લાભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. મહુવા પંથકમાં ભારે વરસાદે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારી છે. ગઈકાલે સાંજે તલગાજરડા ગામે 50થી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા. જો કે, તેમના રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી. જેસર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ મહુવા તાલુકા અને પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ગુંદરાણા, બગદાણા, ભગુડા, કુંભારિયામાં મેઘમહેર જોવા મળી. સાથે જ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી. સિહોર પંથકમાં તો વહેલી સવારથી વરસેલા વરસાદે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો. બુઢાણાથી પાલીતાણા જતા હાઈવે પર સસ્તામાં આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા. પાણીના ધસમસતા પ્રવાહના લીધે કોઝવે પરની રેલિંગ પણ તૂટી ગઈ. બીજી તરફ તળાજા પંથકમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા. જેના લીધે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ ચિંતામાં મુકાયા.
સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં મેઘતાંડવ
ભાવનગર, બોટાદ અને અમરેલીમાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. 14 ઈંચ વરસાદમાં ભાવનગરનું બોટાદ પાણી પાણી થયું છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ છેલ્લાં 24 કલાકથી વરસી રહ્યો છે. તો પાલિતાણા, સિહોરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. બોટાદમાં પણ 11 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણીમય બન્યા છે.
પાલિતાણા ડૂબ્યું
પાલીતાણામાં સવારથી રાત્રિના 10 વાગ્યા સુધી 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સેજળીયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ધૂસી ગયા છે. ગ્રામજનોની મદદ માટે પાલિતાણાનું સ્થાનિક પ્રશાસન અને તળાજાથી ફાયરની ટીમ મદદ માટે પહોંચી હતી. સેન્જળિયા ગામના 10 થી 15 ગ્રામજનો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. પાલિતાણાના મામલતદાર, રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ જિલ્લાનું પ્રશાસન બંને ગામોમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફસાયેલા 14 જેટલા લોકો ને જેસીબીની મદદથી તંત્રની રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢવામા આવ્યા છે તેવું પાલિતાણાના મામલતદાર દશરથસિંહ લીંબડે જણાવ્યું.
પાલિતાણા સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક કપાયો
ભાવનગર જિલ્લામાં બે દિવસ દરમ્યાન પડેલા ભારે વરસાદના કારણે પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. પાલિતાણા પંથકમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી જતા અનેક ગામો પ્રભાવિત થયા છે. ભારે વરસાદના કારણે પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે. પાલિતાણાના રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરના પુલ તૂટી જતા પંથકના 12 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો છે. રંડોળાથી સિહોરના 12 ગામો બુઢણા, લવરડા, ઢુંઢસર, સરકડીયા, ગુંદળાં, ટાણા સહિતના ગામોનો સંપર્ક કપાયો છે.
ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ
રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ત્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વાત કરીએ સુરતની, તો સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સરથાણામાં વીજળી પડવાની ઘટના બની. વીજળી પડવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા. બીજી બાજુ મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ દસ્તક દીધી. કડી તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો. આ તરફ નવસારીમાં મેઘમહેરથી સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો અંબિકા નદી બે કાંઠે વહેતી જોવા મળી. સાથે જ દેવધામાં બનેલા દેવ સરોવર ટાઈડલ ડેમ છલકાયો. ડેમના 40માંથી 20 દરવાજા ખોલાતા સ્થાનિક 16 ગામોને એલર્ટ પણ કરાયા. વાત કરીએ તો ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. ધોરમાર વરસાદથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે