12મી જૂને અમદાવાદના એરપોર્ટ પરથી લંડન જવા ઉડેલું પ્લેન ગણતરીની પળોમાં મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું જેમાં 270થી વધુ લોકોના જીવ ગયા છે. આ જીવલેણ અકસ્માત બાદ હવે હવાઈ ઉડાણોમાં ખુબ સતર્કતા વર્તવામાં આવી રહી છે. તમામ અધિકારીઓ સંપૂર્ણ રીતે એક્ટિવ અને દરેક ઉડાણ પહેલા અનેકવાર ફ્લાઈટ્સને ચેક કરાઈ રહી છે. દિલ્હી માટે ઉડાણ ભરનારા એર ઈન્ડિયાના વિમાનમાં ટેક્નિકલ ખામી આવ્યા બાદ હોંગકોંગ પાછું મોકલી દેવાયું હતું. આ ફ્લાઈટ લેન્ડ કર્યા વગર હવામાં જ યુ ટર્ન લઈને હોંગકોંગ પાછી ફરી. ત્યારબાદ વધુ એક ઘટના સામે આવી જેમાં ફ્લાઈટમાં ખરાબી આવવાના કારણે લેન્ડિંગ દરમિયાન તમામ મુસાફરોને બહાર કાઢીને ફ્લાઈટ ચેક કરાઈ.
કોલકાતામાં લેન્ડિંગ
અમેરિકાના સાનફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ આવનારી એર ઈન્ડિયાની એક ફ્લાઈટના એન્જિનમાં ટેક્નિકલ ખામી આવી ગઈ જેના કારણે મંગળવાર વહેલી પરોઢે કોલકાતાના એરપોર્ટ પર નિર્ધારિત લેન્ડિંગ દરમિયાન મુસાફરોએ વિમાનથી નીચે ઉતરવું પડ્યું. આ ફ્લાઈટ અમેરિકાથી મુંબઈ આવી રહી હતી. પરંતુ કોલકાતામાં જ પ્લેનમાં સમસ્યા આવતા ખાલી કરાવવી પડી. ફલાઈટ AI 180 કોલકાતાના એરપોર્ટ પર મધરાત બાદ લગભગ 00.45 વાગે પહોંચી પરંતુ ડાબા એન્જિનમાં ટેક્નિકલ ખામી આવતા મુંબઈ માટે ઉડાણ ભરવામાં વિલંબ થયો.
કેપ્ટને જણાવ્યું કારણ
આ વિલંબ દરમિયાન કેપ્ટને મુસાફરોને જણાવ્યું કે આ નિર્ણય ઉડાણ સુરક્ષાના હિતમાં લેવાયો છે. બીજી બાજુ તમને જણાવી દઈએ કે છેલ્લા 36 કલાકમાં 3 ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખરાબીના કારણે યુટર્ન લેવો પડ્યો છે. એટલું જ નહીં એક ફાઈટર જેટમાં ટેક્નિકલ ખામી આવવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.
આ ફ્લાઈટ્સ પાછી ફરી
1. ઝારખંડના રાંચી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક્નિકલ ખામીના કારણે યુટર્ન લઈને પાછી દિલ્હી આવી. ત્યારબાદ એક પ્રવક્તાએ જણાવ્યું કે ફ્લાઈટના ઈન્સ્પેક્શન બાદ તેને પાછી નિર્ધારિત સમયે ઉડાવવામાં આવી.
2. હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાના બોઈંગ 787 વિમાન કે જેમાં 200 મુસાફરો હતા તે વિમાન ટેક્નિકલ ખામી આવતા હવામાં યુટર્ન લઈને હોંગકોંગ પાછું ફર્યું.
3. બ્રિટિશ ફાઈટર જેટ F35 ને ઓછા ફ્યૂલના કારણે રવિવારે 15 જૂન 2025ના રોજ કેરળના તિરુવનંતપુરમમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
4. ફ્રેન્કફર્ટથી હૈદરાબાદ જતા લુફ્તાન્સાના એક વિમાનને બોમ્બની ધમકી મળ્યા બાદ ફ્લાઈટને વચ્ચે જ પાછું ફરવું પડ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે